સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

કુવાડવાના જીયાણામાં વાડીના અવેડામાં ડૂબી જતાં કોળી આધેડ સવજીભાઇ સરવૈયાનું મોત

રાજકોટ તા. ૧૩: કુવાડવા તાબેના જીયાણામાં વાડીએ પાણીના અવેડામાં ડૂબી જતાં કોળી આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ જીયાણા રહેતાં  માવજીભાઇ સવજીભાઇ સરવૈયા (ઉ.૪૫) નામના કોળી આધેડ સાંજે પોતાની વાડીએ ગયા હતાં. સવાર સુધી ઘરે ન આવતાં પરિવારજનો તપાસ કરવા જતાં માવજીભાઇ અવેડામાં બેભાન પડ્યા હતાં. પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ને સરપંચશ્રીએ જાણ કરતાં ગ્રીનલેન્ડ રૂટના ઇએમટી નિલેષભાઇ ગોહેલ અને પાઇલોટ ઉદયભાઇ દવે પહોંચ્યા હતાં. ત્યારે માવજીભાઇ મૃત હાલતમાં હતાં. 

કુવાડવા પોલીસને જાણ થતાં પીએસઆઇ આર. એલ. ખટાણા અને નિલેષભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. રાત્રીના અકસ્માતે અવેડામાં પડી જતાં ડૂબી ગયાનું પ્રાથમિક તારણ છે. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી કરશે. તસ્વીરમાં જેમાં ડૂબી ગયા તે પાણીનો અવેડો અને માવજીભાઇનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.

(3:39 pm IST)