સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

પોરબંદરના મૃતક માછીમારોના પરિવારજનોને સહાય ચુકવવા અર્જુનભાઇ મોઢવાડિયાની માંગણી

પોરબંદર, તા. ૧૩ :  બે દિવસ પહેલા દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે માછીમારી માટે  દરિયામાં ગયેલી ૧૯ બોટ અને ખલાસીઓ પવન અને મોજામાં ફસાઇ જતા ૩ માછીમારોના મૃત્યુ થયા હતા. ચારથી વધુ માછીમારો લાપતા છે અને પાંચ માછીમારો મોજાનો સામનો કરીને દરયિાકાંઠે સહીસલામત આવી ગયા છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુભાઇ મોઢવાડીયાએ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી જઇને મૃતક માછીમારોના પરિવારજનો અન માછીમાર ખારવા સમાજના આગેવાનોને મળીને આશ્વાસન આપ્યું હતુ. અને મૃતક માછીમારના પરિવારજનોને સહાય ચુકવવા સરકાર સમક્ષ માંગણી કરી હતી ઉપરાંત ગૂમ થયેલા માછીમારો અને પરત ન આવેલી ૧ ૧ બોટને બચાવવા માટે તાકીદે કામગીરી હાથ ધરવા અને એનડીઆરએફની ટીમને કામે લગાડવાની સરકારને અપીલ કરી.

અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાંવ્યુ હતુ કે, પોરબંદરમા રોજી-રોટીના અભાવે કુલ ૧૯ જેટલી બોટ નજીકના દરિયાકિનારા ઉપર ચોમાસુ વરસાદ અન પવનના ભય વચ્ચે માછીમારી માટે ગઇ હતી.  પરંતુ ગઇ કાલે  ભારે વરસાદ અને  પવનને કારણે દરિયો તોફાની બનીને ભારે મોજા ઉછાળતાં બોટને લંગર નાખીને માછીમારેા દરિયો શાંત થવાની રાહ જોતા હતા. પરંતુ તોફાનની સામે ત્રણ બોટ ડૂબી ગઇ હતી તેમજ માછીમારો પૈકી ૩ માછીમારો શ્રી મનીષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખા ચાવડા મૃત્યુ પામ્યા હતા. ત્રણેય માછીમારોના મૃતદેહો પોરબંદર અને માધવપુર વચ્ચેના દરિયાકિનારે તણાઇ આવતુ તેઓનું પોસ્ટમાર્ટમ કરીને ત્રણેયના સગા-વ્હાલાઓને સોંપણી થઇ હતી.

અર્જુનભાઇ દરિયાઇ તોફાન, પવન અને વરસાદની આગોતરી આગાહી અને જાણ માછીમારોને ન કરતા આવી કરૂણ  ઘટના બની હોવાનુ જણાવીને રાજય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. મૃતક માછીમાર ભાઇઓના પરિવારજનોને દરેકને રૂ. ૮ લાખની સહાય આપવા, જે માછીમાર ભાઇઓએ પોતાની બોટ ગુમાવી છે તેને નવી બોટ બનાવવા નાણાંકીય સહાય આપવા અને ગૂમ થયેલ માછીમાર ભાઇઓ અને ગુમ થયેલી બોટોને બચાવીને પરત લાવવા માટે એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ-નેવીને કામે લગાડવા માંગણી કરી હતી.

(1:15 pm IST)