સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

નવાગામના ભાનુબેન કોળી અને પુત્રી શિલ્પા પર બેડલામાં કુટુંબીજનોનો હુમલો

અગાઉના ઝઘડાને કારણે ગામ છોડ્યું છેઃ કપડા લેવા જતાં બે ભત્રીજા, ભત્રીજાવહૂ અને જેઠાણીએ ધબધબાટી બોલાવી

રાજકોટ તા. ૧૩: નવાગામમાં રહેતાં કોળી માતા-પુત્રી તેના મુળ વતન બેડલામાં  ભત્રીજાઓ, ભત્રીજા વહુ અને જેઠાણીએ લાકડીથી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં રહેતાં ભાનુબેન બાબુભાઇ સોરાણી (ઉ.૪૫) તથા પુત્રી શિલ્પા બાબુભાઇ સોરાણી (ઉ.૨૫) બેડલા ગામે જતાં ત્યાં રહેતાં ભાનુબેનના ભત્રીજા વિજય ભનાભાઇ સોરાણી, રાજુ ભનાભાઇ, જેઠાણી મંજુબેન ભનાભાઇ તથા ભત્રીજા વહુ ભાવુ વિજયએ માર માર્યો હતો.

કુવાડવા રોડ પોલીસ મથકના ડી. કે. ડાંગરે ભાનુબેનની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો નોંધ્યો હતો. ભાનુબેનના કહેવા મુજબ તેને જેઠના દિકરા વિજય સાથે ખેતરમાં પાણી વાળવા બાબતે બે મહિના પહેલા ઝઘડો થયો હોઇ હાલમાં પોતે ગામ છોડી પરિવાર સાથે નવાગામ રહેવા આવી ગયા છે. ગઇકાલે પોતે અને પુત્રી શિલ્પા સાતમ-આઠમનો તહેવાર આવતો હોઇ પોતાના બેડલા ગામના મકાને કપડા લેવા ગયા હતાં અને ઘરમાં સાફસફાઇ કરતાં હતાં ત્યારે ભત્રીજો, ભત્રીજાવહૂ, જેઠાણી અને બીજા ભત્રીજાએ આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ડેલી પાસે આવી જોર-જોરથી બોલી ગાળાગાળી કરતાં ગાળો બોલવાની ના પાડતાં બધાએ મળી હુમલો કર્યો હતો.

દેકારો થતાં ગામના ભીખુભાઇ ગોવાણી, ગોબરભાઇ સહિતના આવી જતાં છોડાવ્યા હતાં. મા-દિકરી બંનેને ઇજાઓ થઇ હોઇ લોહી નીકળવા માંડતાં ૧૦૮ બોલાવી રાજકોટ દાખલ થયા હતાં.

(11:47 am IST)