સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે મંદિર પરીસરમાં ભવ્ય પાલખીયાત્રા નિકળી

હજારો ભકતો પાલખી યાત્રામાં જોડાયા દાદાના દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભારે ભકતોની ભીડ વચ્ચે પાલખીયાત્રા નીકળી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ તા.૧૩: સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણનાં બીજા સોમવારે લોકોનાં ઘોડાપૂર જોવા મળેલ હતા. રવિવારનાં રાત્રીનાં સોમનાથ મંદિરે પગપાળા અને અન્ય વાહનો દ્વારા સતત લોકોનો પ્રવાહ આવી રહેલ. રાત્રીનાં મંદિરની સામે પથીકાશ્રમનાં ગ્રાઉન્ડમાં બનાવેલ વોટરપ્રુફ ડોમમાં વિશ્રામ કરેલ.

મંદિર વહેલી સવારે ૪ કલાકે ખુલતાની સાથે દર્શન માટે લોકોની લાઇનો લાગેલ હતી. જેમાં દિવસભર સતત યાત્રીકોનો ઘસારો જોવા મળેલ હતો. પ્રાતઃ મહાપૂજાનો પ્રારંભ ૬-૧પ થી ૭ સુધી, પ્રાતઃ આરતી ૭ થી ૭-૧પ, મહામૃત્યંજય યજ્ઞ ૭-૩૦ કલાકે, બિલ્વપૂજાનો પ્રારંભ ૮ કલાકે પાલખી યાત્રા ૯-૧પ કલાકે નિકળેલ જે મંદિર પરીસરમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ભગવાન નગર ચર્ચાએ નિકળેલ હતા.

મધ્યાન્હન મહાપૂજા ૧૧ થી ૧ર સુધી, મધ્યાન્હ આરતી ૧ર થી ૧ર-૧પ, શ્રૃંગાર દર્શન પથી ૯, દિપમાળા ૬-૩૦ થી ૮ અને સાંજની આરતી ૭ થી ૭-ર૦ સુધી થયેલ. તેમજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

સોમનાથ મંદિરે લોકોનાં પ્રવાહને ધ્યાને લઇ અને પોલીસ, એસ.આર.પી., જી.આર.ડી., સોમનાથ ટ્રસ્ટની સિકયુરીટી સહિત દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવેલ હતી.

(11:40 am IST)