સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ભાણવડ પાસે કાર સાથે અકસ્માતઃ બાઈક સવાર દંપતિનું મોત

ભાણવડથી બાર કિ.મી. દૂર વેરાડથી આગળ બાઈક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

ભાણવડ, તા. ૧૩ :. માનપર ગામે રહેતા મુકેશગીરી નથુગીરી ગૌસ્વામી (ઉ.વ. ૪૫) તથા તેમના પત્નિ ગીતાબેન (ઉ.વ. ૪૦) ફતેપુરથી પોતાના ગામ માનપર બાઈક નં. જીજે ૩૭ એફ-૩૪૯૭ ઉપર જઈ રહ્યા હતા અને ભાણવડથી ૧૨ કિ.મી. દૂર અને વેરાડથી ૨ કિ.મી. આગળ પહોંચ્યા હતા ત્યારે સામેથી બેફામ સ્પીડમાં આવી રહેલી કાર નં. જીજે ૩૭બી-૯૧૫૫ના ચાલકે બાઈકને ઠોકરે લેતા બાઈક સવાર દંપતિને ફુટબોલની જેમ ફંગોળતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. મુકેશગીરીએ રોડ પર દમ તોડયો હતો જ્યારે તેમના પત્નિ ગીતાબેન ફંગોળાઈને રોડથી નીચે પડી ગયા હતા.

અકસ્માત સ્થળેથી ૧૦૮ની ટીમને ફોન કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી દંપતિને તપાસતા બન્નેએ દમ તોડી દીધો હોવાનું જાણવા મળતા ભાણવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોેલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહોને ભાણવડ સરકારી હોસ્પીટલે પહોંચાડી પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન અકસ્માત સર્જીને કાર ચાલક કાર છોડીને નાસી છૂટયો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

(11:37 am IST)