સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં 11 કાળીયારના મોત ;વન વિભાગ દ્વારા 11 કાળીયારનું રેસ્ક્યુ કરાયું

ભાવનગર પંથકમાં ભારે વરસાદથી જંગલ વિસ્તાર પણ પ્રભાવિત

 

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં 11 કાળિયારના મોત થયા છે.ભાવનગરમાં આવેલા વેળાવદર નેશનલ પાર્ક સફારીમાં ભારે વરસાદને કારણે વન્ય પ્રાણીઓ પ્રભાવિત થયા હતા.

 

  . મોબાઇલ સ્કવોડ રેન્જના વિસ્તારમાં કુલ 22 કાળિયાર પર કૂતરા દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. જેમાંથી કુલ 11 કાળિયારના મૃત્યુ થયા છે અને 11 કાળિયારનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

  તારીખ 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો.ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉદ્યાનમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ હતી, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની બંને રેન્જ વેળાવદર અને મોબાઇલ સ્ક્વોડ રેન્જ હેઠળ આવતા વિસ્તારમાં ખુબ જ કાળિયાર વસવાટ કરે છે.

    ઉદ્યાન વિસ્તારમાં કાળિયાર તથા અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગની પાંચ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર, રાષ્ટ્રીય ઉદ્યાનની બહારના વિસ્તાર, ગણેશગઢ, , ખેતાખાટલી, નર્મદ અને કાળાતળાવ ગામના વિસ્તાર, મેવાસા, માણેપુરના વિસ્તારો, માઢિયા સહિતના વિસ્તારોમાં કાર્યરત છે.

   વન્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે કાળિયાર આસપાસના ખેતરો અને ગામ તરફ જતા રહ્યાં છે. આથી વન વિભાગની ટીમોએ આસપાસના ગામના લોકો અને ખેડૂતોને વિનંતી કરી સાથસહકારની અપીલ કરી છે. બચાવ કામગીરી માટે આવેલી NDRની ટીમ સાથે રહી તેમની બોટની મદદથી પાણીવાળા વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

(9:55 pm IST)