સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ચુડાના મોરવાડમાં ભોગાવો નદીમાં ડુબી જવાથી ૨ બાળાના મોત

ર બાળકોને ગ્રામજનો અને તરવૈયાઓએ બચાવ્યાઃ નાના એવા ગામમાં અરેરાટી

વઢવાણ, તા.૧૩: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદી પાસે રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ધો. ૧થી ૪મા અભ્યાસ કરતા ચાર નાના ભૂલકાઓ આરતી રોજાસરા, અશ્વિનભાઈ રોજાસરા, તુલશી કોઠારીયા અને નિરાલી કોઠારીયા નદી કાંઠે રમી રહ્યા હતા. રમતા-રમતા ચારેય બાળકો નદીમાં ઢીંચણ સમાણા પાણીમાં ન્હાવા પડયા હતા. પરંતુ પંથકના ભૂમાફીયાઓએ રેતી ચોરી કરી ઠેર-ઠેર મસમોટા ખાડાઓ કરી નાંખેલા ઊંડા ખાડાના પાણીમાં ચારેય બાળકો ગરકાવ થયા હતા.

થોડે દૂર ખેતરે ઉભેલા દ્યુદ્યાભાઈ ભીખાભાઈ કણઝરીયા અને મુન્નાભાઈ જીણાભાઈ કાંઝીયાની નજર ડૂબી રહેલાં ભૂલકાઓ પર પડી હતી. તેમણે આરતી અને અશ્વિન ભાઈ-બહેનને બહાર કાઢ્યાં હતા. પરંતુ અન્ય બે નિરાલી અને તુલસી દ્યણીવારની શોધખોળ કર્યા બાદ ઊંડા પાણીમાં નજરે પડી હતી. બન્ને બાળકીમાંથી ૬ વર્ષની નિરાલી કારોલીયાનું મોત નીપજયું હતું. જયારે ૭ વર્ષની તુલસીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યારે રસ્તામાં તેનુ મોત થયું હતું. માસૂમ બાળાઓના મોતથી નાનું એવું મોરવાડ ગામ હીબકે ચડયું હતું. ભૂમાફીયાઓએ કરેલી રેતી ચોરીના ખાડાઓએ બે જીવનના દીપ બુઝાવ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

આરતીએ કહ્યુ કે,  પાણીમાં વધુ બે છોકરી છે...

બાળકોને બચાવવા યુવાનોએ દોડ લગાવી હતી. અને સમયસર આવી પહોંચેલા યુવાનોએ પાણીમાં રહેલા બે બાળકોને બચાવી લીધા હતા. ત્યારે આ યુવાનોને બચી ગયેલી આરતીએ કહ્યુ કે હજુ પાણીમાં બે છોકરી છે.(૨૩.૧૦)

 

(11:49 am IST)