સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

જૂનાગઢ શહેર નજીક ઇન્દ્રેશ્વર મંદિર રોડ પર સિંહનાં આંટાફેરા:ટ્રેકર લાકડીથી હાંકી જંગલમાં મૂકી આવ્યો

જૂનાગઢની ભાગોળે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના રોડ પર એક સિંહ આંટાફેરા કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જૂનાગઢના પ્રવેશદ્વાર સમા જંગલ વિસ્તારમાં મહાદેવનું મંદિર પાસે સિંહની લટારથી સતર્ક બનેલા વન વિભાગના ટ્રેકરે આખરે સિંહને જંગલની બોર્ડરમાં હાંકી કાઢ્યો હતો. સિંહને કોઇ રંજાડે કે સિંહ કોઇને રંજાડે તે પહેલાં જ ટ્રેકરે સિંહને સલામત રીતે જંગલમાં વળાવ્યો હતો. આ વીડિયો ક્યારનો છે તે જાણવા મળ્યું નથી.

જૂનાગઢના પ્રવેશદ્વાર સમા જંગલ વિસ્તારમાં ઇન્દ્રેશ્વર મંદિરના માર્ગ પર સિંહ લટાર મારવા નીકળ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. ઓછી અવરજવર વાળા આ વિસ્તારમાં વનરાજા પણ બેધડક રીતે લટાર મારી રહ્યા હોય તેવું જોવા મળે છે. જ્યારે બેથી અઢી વર્ષનો આ પાઠડો હોવાનું જાણવા મળી રહ્યું છે. વનરાજાની લટારથી વનવિભાગનો ટ્રેકર પણ સતર્ક બની ગયો હતો. ટ્રેકર સિંહ પાછળ લાકડી લઈને ચાલ્યો હતો અને સિંહને ધીમેધીમે જંગલની બોર્ડરમાં મુકી આવ્યો હતો. દરમિયાન અહીં હાજર કોઈએ આખી ઘટનાનો વીડીયો ઉતારી લીધો હતો. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, ‌ભવનાથમાં પણ સિંહના આંટાફેરા હોય છે ત્યારે બીજા મહાદેવના મંદિર પાસે વનરાજાની લટાર ચર્ચાનો વિષય બની છે. 

(1:30 am IST)