સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

બામણબોર પાસેના જમીન કૌભાંડમાં તત્કાલીન નાયબ કલેકટર વી.ઝેડ. ચૌહાણ ૭ દિ' ના રીમાન્ડ ઉપર

વઢવાણ તા. ૧પ :.. બામણબોર અને જીવાપર વચ્ચે આવેલી ૩ર૦ એકર જમીનના કૌભાંડના આરોપી નાયબ કલેકટરના કોર્ટ દ્વારા ૭ દિવસના રીમાઇન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુ તપાસ અને માહિતી બાર આવવાની ભિતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક એરપોર્ટ બનાવની જાહેરાત થતાં ત્યાં જમીનોના ભાવ રાતોરાત ઉચકાયા હતાં. જેમાં શ્રી સરકાર થયેલી બામણબોર અને જીવાપર ગામની ૩ર૦ એકર જમીન કાયદાનું ખોટું અર્થઘટન કરી જે તે વ્યકિતઓના નામે કરી દેવાનું કૌભાંડ બહાર આવતા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. અને જિલ્લા કલેકટરે ખુદ ફરીયાદી બની તત્કાલીન અધિક કલેકટર ચંદ્રકાન્ત પંડયા, તત્કાલીન ચોટીલા નાયબ કલેકટર વી. ઝેઙ ચૌહાણ અને તત્કાલીન નાયબ મામલતદાર જે. એલ. ઘાડવી સામે રૂપિયા ૩.ર૩ કરોડના સરકારના નુકશાન અંગેની ફરીયાદ નોંધાવતા ત્રણેય અધિકારીઓ ભુગર્ભ ઉતરી ગયા હતાં.

એસીબીની ટીમે ત્રણેય અધિકારીઓને ઘરે સર્ચ પણ કર્યુ હતું પરંતુ તેમાં બધુ સગેવગે થઇજતાં કોઇ વાંધાજનક મળ્યું ન હતું. ત્યારબાદ ચંદ્રકાન્ત પંડયા અને જે. એલ. ઘાડવીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.

જયારે તત્કાલીન નાયબ કલેકટર વી. ઝેઙ ચૌહાણ અંદાજે ત્રણ માસથી ફરાર હતા અને અગાઉ તેમણે આગોતરા જામીન માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી હતી. ત્યારે અંતે સોમવારે તેમણે સુરેન્દ્રનગર કોર્ટમાં સરન્ડર કરતા ન્યાયધીશ જી. એમ. પટેલે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આથી એસીબીના તપાસકર્તા અધિકારી અને મદદનીશ નિયામક એચ. પી. દોશીએ વધુ પુછપરછ અને તપાસ માટે આરોપી વિજય ચૌહાણનો કબજો મેળવવા માટેનો રીપોર્ટ રજૂ કરી જેલમાંથી કબજો મેળવ્યો હતો. અને આગામી સમયમાં તેમની ઘનિષ્ટ પુછપરછમાં આ કેસની વધુ વિગતો બહાર આવે તેવી પણ શકયતાઓ દેખાઇ રહી છે.

(11:28 am IST)