સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

કોટડાસાંગાણીના કોટડા જુથના સંપમાથી કેબલની ચોરી થતા વીસ ગામોને નર્મદા નીર મળતા બંધ

તંત્રની મહેનત પર પાણી ફેરવતા ચોર

કોટડાસાંગાણી, તા.૧પઃ કોટડાસાંગાણી નજીકના નર્મદા સંપના કેબલની ચોરી થતા તાલુકાના ૨૦ ગામના લોકોને નર્મદાનીર મળતા બંધ થયા છે.

એક તરફ ગત વર્ષમા કોટડાસાંગાણીમા ઓછા વરસાદથી ઉનાળામાં પાણીના ધાંધીયા શરૂ થયા છે. આ વિસ્તારના બોર અને કુવાઓના જળ સ્તર નીચા જતા રહેવાથી પાણી ડુકિ ગયા છે જેના કારણે આ વીસ્તારના લોકો ફકત નર્મદાના નીર પરજ નીર્ભર થયા છે તેથી તંત્ર પણ રાત દિવસ એક કરી નર્મદા નીર પુરતા પ્રમાણ મળી રહે તે માટે દોડાદોડી કરી રહ્યુ છે ત્યારેજ ચોરટાઓએ તંત્રની બાજી ઉંધી પાડી હતી. તાજેતરમાં જ કોટડાસાંગાણીમા પાણી પુરવઠાના બોરનો બસો ફુટના કેબલની ચોરી થયા બાદ કોટડાસાંગાણીના નારણકા ચોકડી નજીક આવેલ કોટડા જુથના સંપમા ૬નો કેબલ ૪૫ મીટર કિંમત ૫૦૪૦ અને ૧૬નો કેબલ ૪૫મીટર કિંમત ૧૩૧૮૫ મળી ૧૮૨૨૫ના કેબલની ચોરી થતા ફરી વખત ૨૦ ગામના લોકોને નર્મદા નીર મળવાનુ બંધ થતા ભારે દેકારો બોલી ગયો છે. એક તરફ કાળજાળ ઉનાળા લોકોને પાણીની તાતી જરૂરિયાત રહે છે તો બીજી તરફ નર્મદા નીર મળવાનુ બંધ થતા મહીલાઓને પાણી માટે ઠેર ઠેર રજળપાટ કરવાનો વારો આવ્યો છે હાલ તો જવાબદાર તંત્ર દ્રારા આ મામલે પોલીસને જાણ કરી છે.તંત્ર દ્રારા તાકિદે કેબલ ફિટ કરાવી નર્મદા નીર આપવાનુ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.(

(11:24 am IST)