સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

વિદેશમાં નોકરી આપવાના બહાને મોરબી પંથકના યુવાનો સાથે ૧૮ લાખની ઠગાઇ

અમદાવાદના મુકેશ પટેલ, હંસા, યશ અને પૂજા પટેલ સામે પોલીસમાં ફરીયાદ

મોરબી તા. ૧૪ : મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને તેમજ અન્યને વિદેશીમાં નોકરી અને જમીનના મામલે શીશામાં ઉતારી ૧૮.૨૦ લાખની છેતરપીંડી મામલે તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના રહેવાસી જીગર કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૨૧) વાળાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી મુકેશ જેઠા પટેલ, હંસાબેન મુકેશભાઈ પટેલ, યશ મુકેશ પટેલ અને પૂજા મુકેશ પટેલ રહે ચારેય અમદાવાદ માધવ હોલ એકલવ્ય સ્કૂલ વાળાએ વર્ષ ૨૦૦૮થી માર્ચ ૨૦૧૯ના સમયગાળા દરમિયાન આરોપીઓએ કાવતરૃં રચી ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને ફરિયાદીને ઓએનજીસીમાં નોકરી અપાવવા તેમજ સાહેદોને વિદેશમાં નોકરી ધંધો કરવા મોકલવા અને જમીન તેઓના નામે કરી આપવાના બહાના હેઠળ જુદા જુદા સમયે રૂપિયા પડાવ્યા હતા. જેમાં ફરિયાદીની માતાના દાગીના કીમત ૬,૨૫,૦૦૦ સહીત કુલ ૧૮,૨૦,૦૦૦ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે ચારેય શખ્શો વિરૂદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)