સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

જામનગરમાં બર્ધન ચોકમાં બઘડાટીમાં દોષિતો સામે કાર્યવાહીની ખાત્રી : વેપારી આગેવાનો - પોલીસવડા વચ્ચે બેઠક યોજીને સમાધાન

જામનગર તા. ૧૪ : જામનગરમાં ધમધમતા વિસ્તાર બર્ધન ચોક વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટ પાસે નાનક નામના વેપારીએ જયારે ગાડી પાર્ક કરી.  ત્યારે પોલીસે ગાડી હટાવવાનું કહેતા પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. જયારે વેપારીને અટકાયત કરી પોલીસ દ્વારા દરબારગઢ પોલીસ ચોકી લઈ જવાતાઙ્ગ તમામ વેપારીઓ દુકાનો બંધ કરી પોલીસ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અને પોલીસ ચોકીને ઘેરાવ કરી વેપારીને છોડવાની માંગ કરી હતી. પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉગ્ર થતાં વેપારીઓના ટોળા વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અને લાઠીચાર્જ કરાતા દરબારગઢ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘસી ગયો હતો. જામનગરમાં વાહન પાર્કિંગ જેવી નાની બાબતે આટલું મોટું સ્વરૂપ ધારણ કરતાં વેપારી મહામંડળના પ્રમુખ અને આગેવાનો પણ તાત્કાલિક પોલીસ ચોકી દોડ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ઘ પગલાં ભરવાની માંગ કરી હતી.વેપારી અને પોલીસ વચ્ચે થયેલ લાઠીચાર્જ સહિતનો બનાવ બનતા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરભરની પોલીસ તાત્કાલિક દરબારગઢ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જયારે વેપારીઓના આગેવાનો અને જિલ્લા પોલીસ વડા વચ્ચે બેઠક યોજી સમાધાન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા વેપારીઓ પર લાઠીચાર્જની સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તેમજ બે દિવસની અંદર તમામ તપાસ પુરી કરી જે કોઈ દોષીત હશે તેની સામે કાર્ય કરવાની ખાતરી આપવામાં આવી છે. તેવામાં હાલ તો વેપારીઓ અને પોલીસ વચ્ચે વાહન ડિટેઇન કરવા જેવી બાબતે થયેલ બબાલ અને પોલીસના લાઠીચાર્જ સહિતના બનાવે ભારે ચર્ચા જગાવી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(3:49 pm IST)