સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

ધોરાજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડતા જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટર વી.એચ. જોષીની નિમણૂક...

શહેરમાં દારૂ અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તાતી જરૂરિયાત

ધોરાજી, તા.૧૪: ધોરાજી ખાતે છેલ્લા થોડા સમયથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોવાથી શહેરમાં કડક અને બાહોશ પોલીસ અધિકારીની નિમણુંક જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.

ધોરાજી શહેરમાં લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેકટર તરીકે જગ્યા ખાલી હોવાથી આ જગ્યા પર ટૂંક સમય પહેલા એલ એલ ભટ્ટની નિમણૂક કરાઈ હતી જેમણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સહિત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દુરસ્ત કરી હતી જોકે આનંદ મેળાના પ્રકરણમાં તેઓને સસ્પેન્ડ કરાતા પોલીસ ઈન્સ્પેકટરની જગ્યા ફરી ખાલી પડી હતી. આ દરમિયાન ધોરાજી શહેરમાં દારૂ અને ટ્રાફિક સમસ્યા ઉપરાંત ખનીજચોરીએ માજા મુકતા શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હતી.

હાલમાં ધોરાજીના મેળાના મેદાન વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ અને બાળકો દારૂની બધી સામે પોલીસ મથકે આવી ઉગ્ર રજૂઆતો કરી હતી આ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ઘ થતા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી ધોરાજીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવા ણૂજ્ઞ્ફુ ઇન્ટેલિજન્સ વિભાગમાં ફરજ બજાવતા યુવાન અને બાહોશ પોલીસ અધિકારી વી એચ જોષી ની ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર તરીકે નવનિયુકત કરવામાં આવી છે.

ધોરાજી શહેરમાં નિયુકિત પામેલા પોલીસ ઇન્સ્પેકટર વી.એચ.જોષી ને ધોરાજી શહેરમાં દારૂ ખનીજ ચોરી અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાના મુખ્યત્વે પડકારો રહેશે. એક તરફ લોકસભાની ચૂંટણીની કામગીરી અને ફરજો ઉપરાંત શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવા અંગે ની જવાબદારી વિશેષ રહેશે ત્યારે ધોરાજીમાં દારૂ ખનીજચોરી અને ટ્રાફિકની સમસ્યા તાકીદે હલ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

 

(11:37 am IST)