સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

પરિણીતાને ભરણ પોષણ નહિ ચુકવતા વાંકાનેર સ્થિત પતિને ૧૧ માસની સજા

રાજકોટ તા.૧૩: વચગાળાનું ભરણપોષણ ન ચુકવવા બદલ વાંકાનેરના શખ્સને ૧૧ માસની સજા રાજકોટની ફેમીલી કોર્ટે ફટકારી હતી.રાજકોટના ગવરીદડ મુકામે રહેતા રેશ્માબેન ડો./ઓ. અબ્દુલભાઇ પીપરવાળીયાના નિકાહ મુસ્લિમ શરીયત મુજબ વડીલો તથા કુટુંબીજનોની હાજરીમાં વાંકાનેરવાળા અઝીમુનભાઇ પીલુડીયા સાથે તા. ૨૩-૧૦-૨૦૦૩ના રોજ ગવરીદડ મુકામે થયેલ આ નિકાહજીવનથી રેશ્માબેનને  બે બાળકોનો જન્મ થયેલ નિકાહ પછી થોડો સમય સારી રીતે રાખ્યા બાદ રેશ્માબેનને તેના પતિ અઝીમુનભાઇ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો અને રોકડ તથા કરીયાવર લઇ આવવા અંગે દબાણ કરવામાં આવતું અને ઘરમાં પણ રેશ્માબેનને પુરતુ ખાવાનું આપવામાં આવતું નહી. તેમજ, નોકરાણીની જેમ તેમની સાથે તેના પતિ તથા સાસુ શરીફાબેન રસુલભાઇ પીલુડીયા વ્યવહાર કરતા. તેમજ, રેશ્માબેનને તેના પતિ અઝીમુનભાઇ તથા સાસુ શરીફાબેન લગ્નજીવન દરમિયાન ઢીકા પાટુનો માર મારતા હતા, જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય, રેશ્માબેન/ ડો.ઓ. અબ્દુલભાઇ પીપરવાળીયાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ.

સને ૨૦૧૭થી રેશ્માબેનને તેમના માવતરને ત્યાં ઓશીયાળું જીવન જીવતા હોય, તે સંજોગોમાં રેશ્માબેન ડો./ઓ. અબ્દુલભાઇ પીપરવાળીયાએ રાજકોટ ફેમીલી કોર્ટમાં પોતાનું તથા બંને સગીર પુત્રોનું ભરણપોષણ મેળવવા અરજી દાખલ કરેલ, જે અરજીમાં વચગાળાના તબક્કે રેશ્માબેનનું તથા બંને બાળકોનું ભરણપોષણ રૂા. ૭,૦૦૦/- મંજુર થતા અરજદાર રેશ્માબેને ૧૧ માસનું ભરણપોષણ વસુલ મેળવવા અરજી દાખલ કરેલ જે અરજીમાં નોટીસ બજવા છતંા અઝીમુનભાઇ પીલુડીયા દ્વારા પૈસા ભરવામાં ન આવતા તેમના વિરૂદ્ધ મિલ્કત જપ્તીનું વોરંટ કાઢવામાં આવેલ. પરંતુ, અઝીમુનભાઇ પીલુુડીયા વાંકાનેરના લીમડા ચોકમાં નાસ્તાવાળા તરીકે ઓળખાણ ધરાવતા હોય, મિલ્કત જપ્તીનું કે ધરપકડનું વોરંટ બજવા દીધેલ નહી. ત્યારબાદ, અરજદારના એડવોકેટે ધરપકડનું વોરંટ હાથોહાથ લઇ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બજવણી માટે આપેલ, જે વોરંટની બજવણી થતા અઝીમુનભાઇ પીલુડીયાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતા કુલ ૧૧ માસનું ભરણપોષણ ન ચુકવવા બદલ ૧૧ માસની પુરેપુરી જેલ સજા કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામમાં અરજદાર રેશ્માબેન ડો./ઓ. અબ્દુલભાઇ પીપરવાળીયા વતી એડવોકેટ કિશન એમ. જોશી રોકાયેલા હતા.

(11:30 am IST)