સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

વેરાવળમાં ૧૭મીએ આહીર શકિત સંમેલન

ભગાભાઇ બારડના ધારાસભ્યપદેથી સસ્પેન્શન સામે સમાજ લડી લેવાના મૂડમાં: રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રના દરેક તાલુકા મથકે મીટીંગોનો ધમધમાટઃ વિશાળ મંચ થશે તૈયાર

રાજકોટ તા.૧૪: તાલાલાના અડીખમ અગ્રણી અને ધારાસભ્ય ભગાભાઇ બારડને વિધાનસભાના સભ્યપદેથી રાતોરાત દૂર કરાયા છે. ભાજપ સરકારની કિન્નાખોર ભરી કુટનીતિ સામે આહીર સમાજ એકત્રીત થઇ રહયો છે અને તા. ૧૭ને રવિવારના રોજ બપોરના બે કલાકે વેરાવળ ખાતે આહીર શકિત સંમેલન બોલાવાયું છે. આહીર સમાજમાં ભારે રોષ પ્રવર્તે છે. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રના દરેક તાલુકા મથકે મીટીંગોનો દોર શરૂ કરી સંમેલનને સફળ બનાવવા પ્રયાસો આદરાયાનું યાદીમાં જણાવાયું છે.

આહીર અગ્રણીઓના જણાવ્યા મુજબ નીચલી કોર્ટે દોષીત ઠરાવેલ ત્યારે તૂર્ત જ ઉપલી કોર્ટ દ્વારા ભગાભાઇની સાજ સામે સ્ટે ઓર્ડર મળ્યો હોવા છતાં ભગાભાઇ તથા બારડ પરિવારની લોકપ્રિયતાને તોડી પાડવા અમુક સ્થાનિક પરિબળો સક્રિય થયા હતા અને બાદમાં ભગાભાઇને રાતોરાત ધારાસભ્યપદેથી દૂર કરી દેવાયા હોય ૧૭મીએ વેરાવળ ખાતે આહીર શકિત સંમેલન બોલાવી શિાળ મંચ પરથી લડી લેવાનો દ્રઢ નિર્ધાર નક્કી થશે.

અગ્રણઓના જણાવ્યા મુજબ ભગાભાઇનું સસ્પેન્શન તથા બારડ પરિવાર વિરૂદ્ધ આચરાયેલ કિન્નાખોરીની લડાઇને આહીર અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ તથા આહીર યુવાનો દ્વારા સૌરાાષ્ટ્રભરના તાલુકા મથકોએ મીટીગોની શરૂઆત કરી દેવાઇ છે. ૧૭મીએ ''ચલો વેરાવળ''ના સુત્ર સાથે બપોરના બે વાગ્યે આહીર  સંગઠન તાકાતનો પરચો આપવાનો નિર્ણય લેવાયો છે.

૧૭મીએ આહીર શકિત સંમેલન સ્થળે વિશાળ મંચ તૈયારી કરાશે અને ''દેવાયત બોદર''નું વિશાળ ચિત્ર મુકાશે ચાલો સહુ જંગ જીતવા સ્વ. જશુભાઇ આહીરની હાકલ પડી છે ના નારા સાથેઙ્ગ સૌરાષ્ટ્રમાં બેનરો લગાડીને વિશાળ સંખ્યામાં વેરાવળમાં જ્ઞાતિબંધુઓ ઉમટી પડશે.

ભગાભાઇનું સસ્પેન્શન રદ ન કરાય અને ધારાસભ્યપદ પાછુ નહીં મળે ત્યાં સુધી સરકારને જંપવા નહીં દેવાની હજારો યુવાનો પ્રતિજ્ઞા લઇ રહ્યા છે.

રાજકોટ શહેરમાં તૂર્તમાં એક બેઠક મળી રહી છે અને ૧૭મીએ રાજકોટથી એકાદ હજાર આહીર યુવાનો વેરાવળ જશે. વેરાવળમાં આહીર સમાજની ૨૦થી ૩૦ હજારની મેદની ઉમટી પડે તેવી સંભાવના આહીર આગેવાનો આશા સેવી રહયા છે.(૧.૧૨)

(11:39 am IST)