સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ભાવનગરના નારી ગામના હુમલાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા

ભાવનગર, તા.૧૨: ભાવનગર નજીકનાં નારી ગામે તલવાર વડેે હુમલો કરનાર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અદાલતે ફરમાવી હતી.

ભાવનગર શહેર નજીકનાં નારી ગામે આવેલ જગદિશ્વરાનંદ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ધીરૂભાઇ કોશીયા પટેલ ઉ.વ. ૪૦ ઉપર ગત તા. ૬-૪-૧૬ના રોજ આ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ ઉર્ફે મુકેશસિંહ બળવંતસિંહ રાઠોડ- રજપુત નામના શખ્સે આ સોસાયટીના કોમના પ્લોટ પોતાને હસ્તગત કરી લેવાના ઇરાદે નરેન્દ્રભાઇને ગાળો આપી તલવાર વડે હુમલો કરતા નરેન્દ્રભાઇના મિત્ર અનીલભાઇ ચંદુભાઇ વીરડીયા વચ્ચે પડતા તેમના ઉપર પણ તલવારનો હુમલો કરી મુકેશ રાઠોડે ઇજા પહોંચાડી નાસી છુટેલ, જે-તે સમયે નરેન્દ્રભાઇ ધીરૂભાઇ ચુડાસમાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશસિંહ બળવંતસિંહ રાઠોડ સામે ઇ.પી.કો, કલમ-૩૨૪, ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨)મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.

આ કામનાં ફરિયાદી નરેન્દ્રભાઇ કોશીયાએ એવા મતબલની પોલીસ ફરિયાદ નોંધાવેલ કે આ કામના આરોપી મુકેશસિંહ બલવંતસિંહ રાઠોડે નારી ગામે આવેલ જગદીશ્વરાનંદ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે તે પ્લોટ પોતાનો કરી લેવા માટે ગત તા. ૬-૪-૧૬ને રાત્રી ૯:૦૦ કલાકના સુમારે ફરિયાદી નરેન્દ્રભાઇ ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. અને ગંભીર ઇજા કરી હતી. તેમજ સાહેદ અનીલભાઇ વીરડીયાને પણ તલવારના ઘા મારી ઇજા કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા-૧૪, લેખીત પુરાવા-૨૧ વિગેરે ધ્યાને લઇ આ કામનાં આરોપી મુકેશસિંહ બલવંતસિંહ રાઠોડ સામેનો ગુન્હો સાબીત માની આરોપીને ત્રણ વર્ષની કેદ અને રૂ. ૨૦૦૦નો રોકડ દંડ અદાલતે ફટકાયો હતો.(૨૨.૫)

(12:03 pm IST)