સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th November 2018

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ

૨૦ ટકા વ્યાજ વસૂલવા વ્યાજખોરોએ માર મારી ધમકાવતા હતા

જામનગર: જામનગરમાં એક જ અઠવાડીયામાં વ્યાજખોરીની બીજી ફરિયાદ પોલીસ દફતરે પહોચી છે. બળુકા વ્યાજખોરોએ 20 ટકા વ્યાજ વસુલવા પખવાડીયા સુધી ધાકધમકી આપતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં બળુકા વ્યાજખોરોની દાદાગીરી અને પઠાણી ઉઘરાણી ધીરે ધીરે પોલીસ દફતર સુધી પહોચી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની ફરિયાદ પોલીસ સુધી પહોચી છે જેની વિગત મુજબ શહેરના સાધના કોલોની વિસ્તારમાં સિઘ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા યશવંતસિંહ ચંદ્રસિંહ ચૌહાણ નામના યુવાને શંકરટેકરી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર અગ્રાવત પાસેથી જરૂરીયાત મુજબ રૂ.40 હજારની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ પર આરોપી અગ્રાવત દર માસે 20 ટકા જેટલુ તોતીંગ વ્યાજ વસુલતો હતો. વાહનના શો-રૂમમાં નોકરી કરતા યુવાનનો મોટાભાગનો પગાર વ્યાજ ચૂકતે કરવામાં વહી જતો હતો.

પરંતુ છેલ્લા મહિનામાં વ્યાજ ચૂકતે કરવાનું રહી જતાં આરોપી દ્વારા છેલ્લા 15 દિવસથી અવાર-નવાર ધાકધમકી આપવામાં આવતી હતી. દરમિયાન ગઇકાલે યુવાન યશવંતસિંહને વધુ એક વખત આરોપી ધર્મેન્દ્ર તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ તળાવની પાળે તોપ પાસે આંતરી લઇ ઢીકાપાટુનો માર મારી, બિભત્સ વાણી વિલાસ આચરી વ્યાજની ઉઘરાણી કરી હતી. જેને લઇને ડરી જતાં યુવાન યશવંતસિંહ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યાં સારવાર લીધા બાદ યુવાને ધર્મેન્દ્ર સહિતના આરોપીઓ સામે નાણા ધિરધાર અધિનિયમ તેમજ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:30 am IST)