સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th July 2018

બાબરા નગરપાલિકા સામે શહેરીજનોમાં આક્રોષ ચેમ્બરના એલાનથી ૧૨મીએ સજ્જડ બંધ પાળશે

ભ્રષ્ટાચારમાં ખદબદતી પાલિકા સામે ભાજપ અને આમ આદમી પાર્ટીનો ખૂલ્લો ટેકો

બાબરા તા.૧૧: બાબરા કોંગ્રેસ શાસીત નગરપાલિકા તંત્રમાં છેલ્લા લાંબા સમયથી પ્રજાહિતના કામોમાં વિલંબ સહિત ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વેપારી વર્ગના પ્રશ્ને જાગૃતતા નહી દાખવવાથી સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા દિવસો પહેલા મામલતદારને આવેદન આપી ૧૨ મી તારીખે શહેર  સજ્જડ બંધ રાખવા ચીમકી આપવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સે જાહેર કરેલી પત્રીકામાં જણાવ્યાં મુજબ શહેરની મુખ્ય બજારના સી.સી. રોડની નબળી કામગીરી તથા પ્રીમોન્સુન કામ અંગે શહેર મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદીની સફાઇ તથા શહેરમાં જાહેર યુરીનલ બનાવવા તેમજ વેપારીવર્ગને ડસ્ટબીન આપવા સહિતના પ્રશ્ને જનતામાં આક્રોષ થવા પામ્યો છે. સાથોસાથ આમઆદમી પાર્ટીના પ્રદેશકક્ષના આગેવાનશ્રી એમ.ડી. માંજરીયા દ્વારા સત્તાવાર બંધને ટેકો આપી ભ્રષ્ટાચારમાં ખદબદતી પાલિકા સામે ન્યાયીક લડતનાં મંડાણ કરવા હાંકલ કરી છે. અને સ્થાનિક ભાજપ વતૃળ દ્વારા પણ બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

૧૨ મી તારીખે સવારથી શહેર સજ્જડબંધ પાળી તમામ વેપારીવર્ગો નાગરિક બેંક ચોક ખાતે નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શીત કરી અને ધરણા કાર્યક્રમ આપવા જાહેરાત થઇ છે. પ્રમુખ મુનાભાઇ મલકાણ સહિત હકાભાઇ સોની વિપુલભાઇ રાઠોડ તથા આમઆદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી નગરપાલિકા દ્વારા થતાં અન્યાય અંગે જાહેર સમજ આપવા પામશે. અત્રે યાદ રહે કે આઠ દિવસ પહેલા આપેલા આવેદન અંગે તંત્ર દ્વારા કોઇ પરિણામલક્ષી કામગીરી કરેલ નથી. જેના કારણે શહેર સજ્જડ બંધ પાળી વિરોધ વ્યકત કરશે. (૧.૧૨)

(2:32 pm IST)