સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

વેરાવળમાં કાલથી કથા... ભાગવત જ્ઞાન ગ્રહણ કરવાનો અવસર

વેરાવળ પાટણ (સોમનાથ)સનાતન હિન્દુ સેવા સમાજ,સ્વ.મોહનભાઇ કાનજીભાઇ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટના સંગાથે ઉજવાશે વિવિધ પ્રસંગો આસ્થાભેર : ભાગવત કથાના અધ્યક્ષ સ્થાને જીતુભાઇ કુહાડા, પોથીના મુખ્ય યજમાનપદે કિશોરભાઇ કુહાડાઃ રમેશભાઇ શુકલ (શ્રી કાલભૈરવ મંદિર મહંત-પાલીતાણા) દ્વારા સંગીતમય શૈલીમાં કરાવાશે રસપાન

રાજકોટ તા.૪: પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો-ઉત્સવો ઉજવાઇ રહ્યા છે ત્યારે વેરાવળમાં પણ વેરાવળ-પાટણ (સોમનાથ) સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ.મોહનભાઇ કાનજીભાઇ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી ધર્મભીના માહોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આસ્થાભેર પ્રારંભ થશે... જેમાં પ્રખર ભાગવતાચાર્ય શ્રીકાળ ભૈરવપીઠાધીશ્વર રમેશભાઇ શુકલ (શ્રી કાળભૈરવ મંદિરના મહંત, પાલીતાણા) વ્યાસાસને બિરાજી રસપાન કરાવશે.

વેરાવળમાં પવિત્ર પરસોતમ માસ દરમિયાન વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ.મોહનભાઇ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા શ્રીમદ ભાગવત સપ્તાહનો આવતી કાલથી પ્રારંભ થનાર છે. જેમા વેરાવળ સમસ્ત ખારવા સમાજ વંડીએથી પોથીયાત્રા બપોરે ૩  કલાકે વાજતે-ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે નિકળી કથા સ્થળ, ખારવા સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે  ધામધુમથી પહોચશે. 

શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર પ્રખર ભાગવતાચાર્ય શ્રી કાળભૈરવ પીઠાધીશ્વર પાલીતાણા કાલભૈરવ મંદિરના મહંત રમેશભાઈ શુકલ બિરાજશે...  નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ સહીતના પાવનકારી પ્રસંગો આસ્થાભેર ઉજવાશે .સાથે સાથે દરરોજ રાત્રીના સાસંકૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે, જેમાં ૬ તારીખે ધુન, ૭ તારીખે રામા મંડળ, ૮ તારીખે સાંઇગૃપ જામજોધપુર આયોજીત 'માં બાપને ભૂલશો નહિ' કાર્યક્રમ, ૯ તારીખે લોકડાયરો, ૧૦ તારીખે  રાધે ગૃપ, ગીર બામરાસા આયોજીત કાનગોપી સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના અધ્યક્ષ જીતુભાઈ કુહાડા, પોથીના મુખ્ય યજમાનપદે ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેકટર કિશોરભાઈ કુહાડા રહેશે. જયારે  મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકી, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેકટર કિશોરભાઈ કુહાડા સહિતના મહેમાનો,અગ્રણીઓની  ઉપસ્થિતિ રહેશે .

આ પ્રસંગે ત્રીવેણી મહાકાલી મંદીરના મહંત તપસીબાપુ, સ્વામી માધવચરણદાસજી સોમનાથ ગુરૂકુળ, સોમનાથના કિર્તીદેવ શાસ્ત્રી, મહામંડલેશ્વર બજરંગદાસબાપુ ભાલકા  સહીતના વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતો પણ  ઉપસ્થિત રહેનાર છે . વેરાવળ ખાતે સૌ પ્રથમ વખત જ પવિત્ર પરસોતમ માસ દરમિયાન સર્વે પિતૃઓના મોક્ષાર્થે ખારવા સ્પોર્ટસ કિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ભાગવત કથામાં સર્વ હિન્દુ સેવા સમાજ ની ૧૫૧ પોથીઓ નોંધાઇ છે...  ધર્મોત્સવને સફળ બનાવવા  વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, મહામંત્રી મહેશભાઇ વાજા,  અરવિંદભાઇ રાણીંગા, ભૂપતભાઈ કોડીયાતર, મોહનભાઇ દક્ષીણા, સંજયભાઇ ડોડીયા, મિલનભાઇ જોષી, રસીકભાઇ પટેલ, જયેશભાઈ ડોલરીયા, લખુભાઇ સાગર, સુરેશભાઈ બારોટ, ધીરૂભાઈ લાખાણી, કલ્પેશ ભાવસાર, ગોમેશ અખીયા  સહીત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના હોદેદારો અને વિવિધ સમાજના અગ્રણીઓ, પ્રમુખો જહેમત ઊઠાવી રહ્યા છે .   વિશાળ-ભવ્ય ડોમમાં ભાવીકો ભાગવત સપ્તાહ નો પવિત્ર પરસોતમ માસ દરમિયાન લાભ લઈ ધન્ય બનશે. સમગ્ર કાર્યકમનુ લાઇવ પ્રસારણ GTPL  પર થનાર છે . સૌ ધર્મપ્રેમીજનોને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(3:59 pm IST)