સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

આરોગ્યકર્મીઓ સેવાની ઉદાત ભાવના સાથે નિષ્ઠાથી ફરજ બજાવે છેઃ આહિર

રૂ. દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંજાર સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલના ખાતમુહુર્ત: પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે આરોગ્યકર્મીઓનું કરાયું ખાસ સન્માન

ભુજ, તા.૪: આરોગ્ય કર્મીઓ સેવાની ઉદાત ભાવના સાથે  કચ્છના એવા દુર્ગમ વિસ્તારોના ગામડાંઓમાં નોકરીનું કામ કરે છે, જે વિસ્તારનું નામ સાંભળતા ટાઢ પડે ત્યાં રહીને તેઓ રાત-દિવસ જનતાની સેવા કરવાની ફરજ બજાવે છે, તે ખરેખર પ્રસંશાને પાત્ર છે, તેમને સન્માનતા મને વિશેષ આનંદની લાગણી થાય છે, તેમ આજે પૂર્વ કચ્છના વડા મથક ઐતિહાસિક અંજાર શહેરની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલના ખાતમુહુર્ત પ્રસંગે જણાવ્યું હતું.

અંજારની રેફરલ હોસ્પિટલ ખાતે રાજય સરકાર દ્વારા મંજૂર થયેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંજારના નવા બિલ્ડીંગનું રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહુર્ત કરીને પ્રશસ્ય કામગીરી બદલ આરોગ્ય કર્મીઓની સન્માન પણ કરાયું હતું. અંજારની નવી બનનારી સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં આઇસીયુ રૂમ, મલ્ટીપર્પઝ હોલ, વહીવટી બિલ્ડીંગ, પ્રસૂતિરૂમ, બર્ન્સરૂમ, ફાર્મસીરૂમ સહિતનું બાંધકામ હાથ ધરાશે.

     આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હોસ્પિટલના વિકાસ માટે રૂ. ૧૨ કરોડ મંજૂર કરાયાં છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં માતા-બાળમરણને સમાજનું કલંકરૂપ છે અને તેને દ્યટાડી શકાય તેમ હોઇ આરોગ્ય કર્મીઓને સંકલ્પ સાથે કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું.

અંજાર સચ્ચિદાનંદન મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આ કાર્યને આર્શીવચન પાઠવતાં અંજાર વિસ્તાર માટે સોનાનો સૂરજ ઉગ્યો હોવાનું જણાવી જી.કે. જનરલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બનવા જઇ રહી છે ત્યારે નાગરિકોને ઓછા ખર્ચે સારામાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે, તેમ જણાવી આરોગ્ય કર્મીઓને પ્રસંશનીય કામગીરી કરવા બદલ શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમના પ્રારંભે સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડેએ સ્વાગત પ્રવચનમાં આરોગ્ય સુવિધાઓને ગતિશીલ બનાવાઇ હોવાનું જણાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિ, સગર્ભાઓ માતાઓની સોનોગ્રાફી સહિત દરેક તાલુકામાં સબ-સેન્ટરો ઉપર અને દુર્ગમ વિસ્તારોમાં નર્સ બહેનો દ્વારા ડીલીવરી કરવાને પ્રોત્સાહન અપાઇ રહયું હોવાનું સાથો-સાથ માતા-બાળ મૃત્યુદર અટકાવવાના પ્રયાસો સાથે સારાં આરોગ્ય પગલાંઓની ખાતરી અપાઇ હતી.

આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે પ્રસંશનીય સેવા આપનારા ટીએચઓ, મેડીકલ ઓફિસર, આયુષ તબીબ આરબીએસકે, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપલ હેલ્થ સુપરવાઇઝર, ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ, શાળા આરોગ્ય મદદનીશ, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, એમપીડબલ્યું, સ્ટાફનર્સ અને ફીમેલ હેલ્થ વર્કર સહિતના ૧૯ જેટલાં આરોગ્ય કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતા.

શહેર વિકાસ સમિતિના મહેન્દ્રભાઇ કોટક તેમજ શ્રી વોરા દ્વારા  રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરનું સ્વાગત-સન્માન કરાયું હતું.

કાર્યક્રમનું સંચાલન અંજાર ભાજપના મહામંત્રી શ્રી કાનજી શેઠે જયારે આભારદર્શન અંજાર તાલુકા હેલ્થ ઓફિસર  રાજીવ અંજારિયાએ કર્યું હતું.

     આ પ્રસગે અંજાર પાલિકા અધ્યક્ષ પુષ્પાબેન ટાંક, અંજાર તા.પં. અધ્યક્ષા રાંભઇબેન જરૂ, રસીકબા જાડેજા, મહિલા મોર્ચાના દિવ્યાબા જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ કોઠારી, અનિલભાઈ પંડયા, પ્રકાશ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, ડેનીભાઈ શાહ, ત્રિકમભાઈ આહિર, દેવજીભાઈ સોરઠીયા, કેશવજીભાઇ સોરઠીયા, નિલેશ ગોસ્વામી, મોહન મઢવી, શંભુભાઈ આહિર, આડાના પૂર્વાધ્યક્ષ ભરતભાઈ શાહ, ક્રિપાલસિંહ જાડેજા, વસંતભાઈ કોડરાણી, ટીએચઓ ડો. ગાલા, ડો. જાડેજા, રેફરલ હોસ્પિટલના અધિક્ષક તૃપ્તીબેન ધાનાણી,  બાંધકામ એન્જિનિયરશ્રી જાડેજા વગેરે તેમજ શહેરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના સદસ્યો તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. (૨૩.૪)

(12:04 pm IST)