સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

વાંકાનેરના ભલગામમાં કાઠી યુવાન દોલુભાઇ અને મૈત્રી કરારથી સાથે રહેતાં મહિલા પર હુમલો

ગામના જ વિજય ખાચર સહિતના સાતેક શખ્સોએ જુના મનદુઃખને લીધે રાત્રે વાડીએ આવી ધોકા-પાઇપ ફટકાર્યા

રાજકોટ તા. ૪: વાંકાનેરના ભલગામમાં રહેતાં કાઠી યુવાન અને તેની સાથે મૈત્રી કરારથી રહેતાં મહિલા પર ગામના જ લોકોએ જુના મનદુઃખનો ખાર રાખી વાડીએ આવી ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

ભલગામ રહેતાં અને ગામમાં જ લાઇટના ફયુઝ બનાવવાનું કારખાનુ ધરાવતાં દોલુભાઇ નાનભાઇ ધાધલ (ઉ.૪૦) નામના કાઠી યુવાન રાત્રે પોતાની વાડીએ હતાં ત્યારે ગામના જ વિજય જેઠુભાઇ ખાચર, વનરાજ જેઠુભાઇ, નનુભાઇ જેઠુભાઇ તથા અજાણ્યા પાંચ-છ શખ્સોએ આવી ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં તેને બચાવવા વચ્ચે પડેલા હિરબાઇ દોલુભાઇ ધાધલ (ઉ.૩૮)ને પણ માર મારવામાં આવતાં બંનેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

દોલુભાઇના સગાએ જણાવ્યા મુજબ જુના મનદુઃખને લીધે આ હુમલો થયો હતો. દોલુભાઇએ મુળ ગુજરાતના હિરબાઇ સાથે મૈત્રી કરાર કર્યા છે. તેણી દોલુભાઇના કારખાનામાં જ કામ કરતી હોઇ બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

 

(12:02 pm IST)