સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

અમરેલી-ગોંડલ પંથકમાં ઝાપટા બાદ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો પરંતુ ભારે બફારોઃ લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝાપટાથી માંડીને હળવો ભારે વરસાદ વરસી જાય છે.

કાલે અમરેલી અને ગોંડલ પંથકમાં વરસાદ સાથે ઠંડો પવન ફુંકાયો હતો. અને ઝાપટારૂપે વરસાદ વરસ્‍યો હતો.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે ધીમે બે દિવસથી ગરમીનું આક્રમણ ઘટવા બીજો છેલ્લા ચાર દિવસથી પ્રિમોન્‍સુન ગતિ વિધીની અસર હેઠળ છેલ્લા ચાર દિવસથી છૂટા છવાયા તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

કાલે અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે મીની વાવાઝોડા સાથે કેટલાક સ્‍થળે વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્‍યા છે.તો ધારી-ગોંડલ પટ્ટીમાં આવતા દેરડી કુંભાજી સહિતના ગામોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસી ગયો હતો. જો કે ભાવનગરમાં ૪ર ડીગ્રી સહિત રાજકોટ, સુ.નગર, અમરેલી, કંડલા સહિતના સ્‍થળે પારો ૪૦ ડીગ્રી ઉપર નોંધાયો હતો. તો આવતીકાલથી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ

રાજકોટમાં ગરમીનું પ્રમાણ ક્રમશઃ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ મેઘરાજાના આગમનને  પધારવા ઉત્‍સુક  હોય તેમ બફારાનું પ્રમાણ અતિશય વધી ગયું છે. છેલ્લા બે દિવસથી બફારાથી છૂટકારો આપવામાં એસી જેવા સાધનો પણ નાકામ જોવા મળે છે.

આજે આકાશમાં સતત વાદળાઓની અવર જવરથી ચોમાસના દિવસ નજીક હોવાનો સકેત વ્‍યકત વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવ્‍યો છે. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.પ ડીગ્રી નોંધાયું શહેરનું ન્‍યુનતમ તાપમાન ર૮.૪ ડીગ્રી નોંધાવ્‍યું હતું. સવારે ૭૭ ટકા સાંજે ૪૧ ટકા ભેજ નોંધાયો હતો પવનની ઝડપ ૩૦ કી. મી. પ્રતિ કલાકની રહી હતી.

ગોંડલ

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી, મેતા ખંભાળીયા, રાણસીકી, વાસાવડ, વિઝીવડમાં કાલે સાંજના પ વાગ્‍યા આસપાસ વરસાદી ઝાપટા પડયા હતાં.

અમરેલી-ધારી

ધારી પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી ધારી તેમજ આસપાસના ગીરકાંઠાના ગામો કુબડા ગોવિંદપુર દલખણીયા સરસીયા સહિતના ગામોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ અડધા ઇંચ જેટલા પડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ જગતનો તાત તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજાની પધરામણીથી લોકોમાં આનંદની લાગણી છવાઇ હતી. તો ધારી તાલુકાના માધુતુર દેવળા, વિરપર, દિવ સહિતના ગામોમાં પણ તોફાની પવન સાથે વાદળ છવાતા આંબા સહિતના વૃક્ષો મુળમાંથી ઉખડી તુટી જતા ખેડૂતોને મોટું નુકસાન થયાનું જાણવા મળ્‍યું છે.

અમરેલી જીલ્લામાં કાલે પણ સાંજના સમયે વરસાદનું આગમન થતા અમરેલી, જાફરાબાદ, ખાંભા, લાઠી પંથકમાં ધીમીધારે અડધો ઇંચ ખાબકી જતા રોડ ઉપર પાણી છવાતા ગરમીમાં ઠંડકની લહેર છવાઇ ગયેલ હતી.અમરેલી જીલ્લામાં મેઘરાજાની તોફાની એન્‍ટ્રી થયા બાદ કાલે પણ કરામી ગરમીમાં સાંજના સમયે અમરેલી, જાફરાબાદ, ખાંભા તેમજ લાઠીમાં આગમન થતાં સર્વાંગી અડધા ઇંચ જેટલા વરસાદથી રોડ ઉપર પાણી છવાઇ ગયેલા હતાં. બાબરામાં પણ હળવું માવઠું પડી જતા રોડ ઉપર પાણી છવાઇ ગયેલ હતાં.  અમરેલી જીલ્લામાં ત્રાટકેલા મીની વાવાઝોડાનાં કારણે કેરીના પાકને પારાવાર નુકસાન થવાનું ખેડૂતો જણાવી રહેલ છે.  અને આ નુકશાન અંગે સરકાર દ્વારા સર્વે કરાવી વળતર આપવા માંગણી ઉઠેલ છે.

ભાવનગર

ભાવનગર : મહત્તમ તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો થઇ ૪ર ડીગ્રી ગરમી નોંધાતાં નગરજનો તોબા પોકારી ગયા હતાં.  સૌરાષ્‍ટ્રનાં અમરેલી, રાજકોટ જીલ્લામાં વરસાદી માહોલ ઉભો થઇ રહ્યો છે. જયારે ભાવનગરમાં ગરમીમાં પ્રમાણમાં વધારો થયો છે. રવિવારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩ ડીગ્રી વધી ૪ર.૦ ડીગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન રપ.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા અને પવનની ઝડપ ૬ કી. મી. પ્રતિ કલાકથી રહીહતી. ગરમીનું જોર વધતાં લોકો અકળાયા હતા અને રવિવાર રજા હોવા છતાં ઘરમાં પુરાઇ રહ્યા હતાં. દરમ્‍યાન શનિવારે મોડી રાત્રે શહેરમાં ઠંડો પવન ફુંકાયો હતો અને વરસાદનાં છાંટા પણ પડયા હતાં. અગાસીમાં સુતેલા લોકો જાગી ગયા હતા અને ઘરમાં ચાલ્‍યા ગયા હતાં. જયારે સવાર પડતાં જ સૂર્યનારાયણે રોદ્ર સ્‍વરૂપ ધારણ કરતાં ગરમી શરૂ થઇ હતી.

પોરબંદર

પોરબંદર : શહેરનું મહત્તમ તાપમાન ૪૩.૩ ડીગ્રી અને હવામાન ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહ્યું છે.

(11:37 am IST)