સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડીમા ઘટાડો

લઘુતમ તાપમાનનો વધારો થતા સૂર્યનારાયણના દર્શન થતાની સાથે હુંફાળુ હવામાન

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ સર્વત્ર આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત રહેતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

 

જામનગર

જામનગરઃ શહેરનુ મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી, લઘુતમ ૧૮.૫, ભેજ ૭૦ ટકા અને પવનની ઝડપ ૬.૩ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

સોરઠમાં વાદળિયુ વાતાવરણ

જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ વાદળિયુ વાતાવરણ રહ્યુ છે.

જુનાગઢ ખાતેનું લઘુતમ તાપમાન આજે વધીને ૧૭.૩ ડીગ્રી રહેલ. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૬૯ ટકા નોંધાયુ હતુ. વાદળિયુ વાતાવરણ થતા કમોસમી વરસાદની શકયતા ન હોવાનુ જણાવી જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગે ૧૭ જાન્યુઆરી ઠંડી પડવાની સંભાવના દર્શાવી છે.

વાંકાનેરમાં ધાબડ

વાંકાનેરઃ વાંકાનેરમાં ગત રાત્રીથી ઠંડી ઘટી જઇ, સવારથી આભમાં વાદળો છવાઇ, ધાબડ જેવા વાતાવરણે ખુશનુમા માહોલ જોવા  મળી રહ્યો છે.

આવતી કાલે મકર સંક્રાંતિ હોઇ, પવન વિહોણો આવો વાદળાચ્છાદિત માહોલ પતંગ રસીયાઓ માટે બાધારૂપ નીવડી શકે છે. ભર શિયાળે મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા બે દિવસથી પતંગ-દોરા અને પર્વ અંતર્ગતની સામગ્રીઓનું વાંકાનેરમાં ધૂમ વેચાણ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પતંગ-દોરાઓના સ્ટોલ આજે મકર સંક્રાંતિને આડે એકજ દિવસ બાકી હોઇ, ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.(૧.૭)

(12:06 pm IST)