સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

ગારીયાધાર ન.પા.ની ચુંટણી માટે ભાજપા દ્વારા સેન્સ લેવાયો

૭ વોર્ડ માટે ૧૪ર દાવેદારોએ ચુંટણી લડવા માટે તૈયારી બતાવી

ગારીયાધાર તા. ૧૩: ગારીયાધાર નગર પાલીકાની આગામી ચુંટણીઓની તડામાર તૈયારીના ભાજપા દ્વારા આજે કાર્યકરોના સેન્સ લઇને શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જેમાં ૭ વોર્ડ માટે ર૧ ઉમેદવારો માટે ભાજપની ૧૪ર કાર્યકર્તાઓ દ્વારા ચુંટણી લડવા માટે પોતાની દાવેદારી કરવામાં આવી છે.

આજરોજ ગારીયાધાર લોહાણા મહાજનવાડી ખાતે આગામી ન. પા. ની ચુંટણી માટે ઇચ્છુક ઉમેદવારોનો ભાજપા દ્વારા સેન્સ લેવાયો હતો જેમાં જીલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, જીલ્લા મહામંત્રી ઉમેશભાઇ મકવાણા, મહિલા મોર્ચાના જીલ્લા ઉપાધ્યક્ષ ગાયત્રીબા જાડેજા અને માજી. જીલ્લા અધ્યક્ષ હંસાબેન કુંભાણી દ્વારા સેન્સ લેવાયો હતો.

આ સેન્સમાં ૭ વોર્ડ માટે ભાજપના ૧૪ર કાર્યકરો દ્વારા ચુંટણી લડવા માટે પોતાની ઇચ્છા દર્શાવવામાં આવી હતી. આ સેન્સમાં તમામ જાતિના આગેવાનો દ્વારા પોતાના સમાજના રાજકીય કદ વધારવા માટે સમાજના ઇચ્છુક કાર્યકર્તાને સહકાર આપવા માટે સાથે જોવા મળ્યા હતા.

જયારે ભાજપા સેન્સની યાદી પ્રમાણે વોર્ડ નં. ૧ માં=૧૬, વોર્ડ નં.-ર માં=રપ, વોર્ડ નં.-૩ માં =રર, વોર્ડ નં.-૪ માં =૧૯, વોર્ડ નં.-પ માં = રર, વોર્ડ નં.-૬=૧૭ અને વોર્ડ નં.-૭ માં=૧૯ કાર્યકર્તાઓ દ્વારા ચુંટણી લડવા માટે પોતાનું ફોર્મ ભરી ઇચ્છા દર્શાવી હતી.

જયારે આ સાત પૈકી વોર્ડ નં.-ર માં સૌથી વધારે અને વોર્ડ નં-૧ માં સૌથી ઓછી દાવેદારી નોંધાઇ હતી. તેમાં પણ ઇચ્છુક ઉમેદવારોમાં સૌથી વધારે નવા ચહેરાઓ જોવામાં આવ્યા હતા. આ સેન્સ દરમિયાન ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, શહેર પ્રમુખ રાજેશભાઇ જીવરાજાણી, ન.પા. ઉપપ્રમુખ રમેશભાઇ વાઝા, તાલુકા પ્રમુખ વિ. ડી. સોરઠીયા સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. 

(9:22 am IST)