નાની વાવડીના યુવાને મોરબી સિવિલ હોસ્પિટલ મેદાનમાં પેટ્રોલ છાંટી સળગીને દોડાદોડી કરી
અઠવાડીયામાં ત્રણેક વખત મોરબી માનસિક તકલીફની દવા લેવા આવતો ૩૫ વર્ષિય મનોજ નાગલા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સળગ્યા બાદ ઇમર્જન્સી રૂમ તરફ દોડ્યોઃ કાર્યકરોએ આગ બુઝાવીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૦: મોરબીના નાની વાવડી ગામે રહેતાં મનોજભાઇ જગદીશભાઇ નાગલા (ઉ.વ.૩૫) નામના યુવાને રાત્રીના દસેક વાગ્યે મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવી પોતાના શરીરે પેટ્રોલ છાંટી કાંડી ચાંપી લીધા બાદ ઇમર્જન્સી વોર્ડ તરફ દોટ મુકી દોડાદોડી કરતાં ભય ફેલાઇ ગયો હતો. હોસ્પિટલના સ્ટાફે અને લોકોએ આગ બુઝાવી હતી. યુવાનને મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં બધો સ્ટાફ પોતપોતાની ફરજ પર હતો ત્યારે રાત્રીના દસેક વાગ્યે અચાનક કમ્પાઉન્ડમાંથી એક યુવાન સળગતી હાલતમાં દોટ મુકીને આવતાં અને લોબીમાં દોડાદોડી કર્યા બાદ ઇમર્જન્સી વોર્ડ પાસે પડી જતાં ભય ફેલાઇ ગયો હતો. હોસ્પિટલ કર્મચારીઓએ તુરત જ આગ ઓલવી હતી અને દાઝેલા યુવાનને સારવાર માટે દાખલ કર્યો હતો.
પુછતાછ થતાં આ યુવાન મોરબીના નાની વાવડીનો મનોજભાઇ નાગલા હોવાનું જાણવા મળતાં તેમના પરિવારજનોને જાણ કરાઇ હતી. તે ગંભીર રીતે દાઝી ગયો હોઇ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. સ્વજનના કહેવા મુજબ મનોજભાઇ બે ભાઇમાં મોટા છે. સંતાનમાં એક પુત્ર છે. તેને માનસિક તકલીફ હોઇ દવા પણ ચાલુ છે. આ કારણે છેલ્લા કેટલાક વર્ષથી તે કંઇ કામ પણ કરી શકતા નથી. તે મોરબી સિવિલ હોસ્પિટલે અઠવાડીયામાં ત્રણેક વખત દવા લેવા આવતો હોઇ હોસ્પિટલના દરેક વિભાગથી વાકેફ છે.
ગઇકાલે સાંજે તે ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં રાતે દસેક વાગ્યે પેટ્રોલના શીશા સાથે મોરબી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પહોંચી પોતાના શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લીધી હતી. પોતાની બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાની શકયતા પરિવારજને વ્યકત કરી છે.
મોરબીના પ્રતિનિધીના અહેવાલ મુજબ મનોજભાઇ પહેલા હોસ્પિટલમાં પ્રવેશ્યો હતો. બાદમાં થોડીવાર આટાફેરા કર્યા હતાં અને બહાર નીકળી જઇ એ પછી સળગતી હાલતમાં ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતાં. બનાવને પગલે હોસ્પિટલના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, મુસાભાઇ, જીજ્ઞેશભાઇ સહિતે આગ બુઝાવી હતી અને તબિબોએ સારવાર શરૂ કરી હતી. એ-ડિવીઝન પોલીસે તપાસ કરતાં યુવાનની માનસિક બિમારીની દવા ચાલુ હતી. વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.