સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

મોરબીના નીચીમાંડલમાં સગીરા પર બળાત્કાર ગુજારી અગાસીએથી ધક્કો દઇ પછાડી દેવાઇ'તી!

બે દિવસ બાદ ભાનમાં આવેલી એમપીની બાળાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિબને કથની વર્ણવતા મોરબી પોલીસને જાણ કરાઇઃ દૂષ્કર્મ ગુજારનારો પણ મધ્યપ્રદેશનો

રાજકોટ તા. ૨૦: મોરબીના નીચીમાંડલ ગામમાં એક કંપનીમાં કામ કરતાં અને ત્યાંની ઓરડીઓમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારની ૧૭ વર્ષની દિકરી પરમ દિવસે રાતે અગિયારેક વાગ્યે ઓરડી નજીકથી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી હતી. તેણીને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ સગીરા ભાનમાં આવતાં તેણીને તબિબે શું થયું હતું? તે અંગે પુછતાં પોતાના પર એક શખ્સે બળાત્કાર ગુજારી બાદમાં અગાસીએથી ધક્કો દઇ નીચે પછાડી દીધાની ચોંકાવનારી વાત કહેતાં આ અંગે મોરબી પોલીસને જાણ કરવામં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સત્તર વર્ષની એક સગીરાને ઘાયલ અવસ્થામાં અને બેભાન હાલતમાં મોરબીથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ ગઇકાલે સાંજે તે ભાનમાં આવતાં તબિબે પુછતાછ કરતાં તેણીએ કહ્યું હતું કે પોતે કંપનીની ઓરડી પાસે હતી ત્યારે મધ્યપ્રદેશના જ એક શખ્સે તેણીને 'તારા પપ્પા તને બોલાવે છે' તેમ ખોટુ બોલી અગાસી પર લઇ ગયા બાદ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી અગાસીએથી ધક્કો દઇ પછાડીને ભાગી ગયો હતો.

સગીરાની આ વાત બાદ તબિબે આ બનાવને રિટ્રોગેટ એમએલસી (પોલીસ કેસ) જાહેર કરી હોસ્પિટલ પોલીસ ચોકીમાં જાણ કરતાં ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી. ખરેખર શું બન્યુ હતું? તે અંગે હવે મોરબી પોલીસ તપાસ કરશે. સગીરા અને તેના પરિવારજનો એકાદ વર્ષથી અહિ રહી મજૂરી કરે છે.

(1:03 pm IST)