સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

પોરબંદર સાંદીપનીમાં બહારગામના ભાવિકો માટે ૧૨ કરોડનાં ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવાશેઃ

પૂ.ભાઇશ્રીની નિશ્રામાં ચાલતા નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું સન્માન

પોરબંદર, તા.૨૦: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં સંત પૂજય રમેશભાઇ ઓઝાએ આજે નવરાત્રિના અંતિમ દિવસે અનુષ્ઠાનને વિરામ આપ્યા પછી કેટલીક મહત્વની જાહેરાત કરી હતી.

પૂજય ભાઇશ્રીએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે સાંદીપનિના ઉત્સવોમાં બહારગામથી આવનારા ભાવિકો માટે અંદાજે બાર કરોડના ખર્ચે સુવિધાજનક ગેસ્ટ હાઉસ બનાવવાનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે અને ગેસ્ટ હાઉસના બાંધકામ માટે મનોરથી તરીકે ભાવિકોએ સેવા સમર્પિત કરવાનો નિર્ધાર પણ કર્યો છે. સાંદિપનિના વિવિધ રસ્તાઓને સિમેન્ટ, ક્રોકીટથી તૈયાર કરવાનું આયોજન છે. બપોરના સમયે ભોજન લેવા આવતા ભાવિકો માટેનું જે પ્રસાદ ભવન છે. તેનું સ્થળાંતર કરીને નવા પ્રસાદ ભવનનું નિર્માણ પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

પૂજય ભાઇશ્રીએ સાંદીપનિમાં જે રીતે શારદીય નવરાત્રિમાં રામાયણનું અનુષ્ઠાન થાય છે એવું જ અનુષ્ઠાન ચૈત્રી નવરાત્રિમાં પણ દેશના અલગ-અલગ વિસ્તારોમાં કરવા અનુરોધ થઇ રહ્યો છે તો આવા અનુસંધાનમાં આગામી ચૈત્રી નવરાત્રિમાં સાંદીપનિના ઋષિકુમારો દ્વારા જે સ્થળે વ્યવસ્થા ગોઠવાશે ત્યાં રામાયણ ગાયન કલા અને વકતૃત્વ કલામાં નિપુણ ઋષિકુમારો મોટી સંખ્યામાં તાલીમબદ્વ છે આવા તાલીમ પામેલા ઋષિકુમારો રામાયણનું ગાન પણ કરશે.

આ પ્રસંગે વિવિધ સ્થળેથી ઉપસ્થિત અન્ય સંતો-મહંતોની સાથે ઉદાસીન મહાઅખાડાના મહંત શ્રી રઘુમુનિજીએ મહાઅખાડાની પરંપરા મુજબ પૂજયભાઇશ્રીને વિશેષ વસ્ત્રો, ઉપવસ્ત્રોથી સન્માનિત કર્યા હતા. પૂજય ભાઇશ્રીના ૨૦૧૮ના અનુષ્ઠાનના મનોરથી નાઇરોબી કેન્યાના મહેન્દ્રભાઇ પટેલ અને ઇન્દિરાબેન પટેલ પરિવારને આશીર્વાદપત્ર અને શાલ આદિ અર્પણ કરી તેમનું સન્માન કર્યુ હતું.

આ અનુષ્ઠાનમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પૂજયભાઇશ્રીની કથામાં સંગીત પીરસતા સંગીતકારો, વિડિયોગ્રાફર, મંડપસર્વિસ, સાઉન્ડસર્વિસ વગેરે નિઃશુલ્ક સેવા આપી તેમના મનોરથી તરીકેની સેવા અર્પણ કરે છે તે અંગે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા સાંદીપનિના વિવિધ ટ્રસ્ટીઓ જેવા કે બજરંગલાલ તાપડીયા સહિતના ડી.એચ.ગોયાણી સહિતના સ્થાનિક ટ્રસ્ટીઓની સેવાઓ અંગે પણ પ્રસન્નતા વ્યકત કરી હતી. સાંદીપનિના મેડીકલ કેમ્પોના કો-ઓર્ડિનેટર ડો.ભરત ગઢવીએ મેડીકલ કેમ્પોની માહિતી આપેલ ઉપરાંત આ કાર્યોમાં સહયોગ આપનારા ડોકટોરોનો ઉલ્લેખ કરેલ જેમનું પૂજય ભાઇશ્રી દ્વારા સન્માન કરાયું હતું.

સાંદીપનિમાં ચાલી રહેલી ભાગવતકથાના છેલ્લા બે દિવસ ભાનુપુરા પીઠાધીશ્વર શંકરાચાર્ય દિવ્યાનંદતીર્થજીની તબિયત લથડતાં અને તેમની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી સાંદીપનિના ઋષિકુમાર અને કથાકાર શ્યામ ઠાકરે સાંજના સત્રમાં કથાને આપ્યો હતો અને સાંજની હરિમંદિરની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

પૂજય દિવ્યાનંદતીર્થજીની તબિયત સારી ન હોય હોવાથી એમના ઉત્તરાધિકારી પૂજય શ્રી જ્ઞાનાનંદતીર્થજી મહારાજ એમનો સંદેશો લઇને ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. અને ત્યારબાદ પૂજય ભાઇશ્રી દ્વારા પધારેલા પૂજય શ્રી જ્ઞાનાનંદતીર્થજી મહારાજનું શાલ ઓઢાડી તેઓનું ભાવપૂજન કર્યુ હતું.(૨૩.પ)

(11:50 am IST)