સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ભાદર-ર ડેમનું પાણી કળથી કે બળથી ખેડૂતો માટે છોડાવ્યું: લલીતભાઇ વસોયા

ધોરાજી તા.૨૦: ધારાસભ્ય લલીત વસોયાએ અગાઉ જાહેરાત કરેલ કે જો ભાદર-ર ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહી છોડાઇ તો જાતે જઇ સમર્થકો સાથે ડેમનાં પાટીયા ખોલશે. આવા અલ્ટીમેટમ બાદ રાજય સરકાર અને સિંચાઇ વિભાગ હરકતમાં આવી ગયું હતું. અને છેવટે ૨૦૦ એમ.સી.એફ.ટી. જેટલો જથ્થો છોડવા સિંચાઇ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો હોવાનું ધારાસભ્ય વસોયાએ જણાવેલ.

વિશેષ જણાવેલ કે ભાદર-ર ડેમમાંથી અમારી માંગણી મુજબ પાણી છોડાઇ અને તેનો અમને જશ મળી જાય તેવી પીડાથી અને લધુતાગ્રંથીથી પીડાતા અમુક રાજકીય લોકોનાં ઇશારે ઇરીગેશન વિભાગે તાતા-થૈયા કર્યા હતા.

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ખેડૂત વિરોધી માનસીકતા ધરાવતા રાજકીય આગેવાનો પણ ઉઘાડા પડયા છે. જેમા ભા.જપા.નાં પુર્વ ધારાસભ્ય સહિત ભા.જ.પા.નાં હોદેદારો (જે નામ લીધા વગર) જેમણે ભાદર નદીનું પાણી ન છુટે તે માટે ઇરીગેશન વિભાગ પર દબાણ કરી દરખાસ્તો અને રીપોર્ટ બદલાવ્યા. ઇરીગેશન દ્વારા થયેલ દરખાસ્તોમાં ચાર-ચાર વખત પાણીનાં સ્તરમાં કે જથ્થામાં ફેરફાર કેવી રીતે શકય છે?

ધારાસભ્ય લલીત વસોયા સાથે કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા એ ભાદર-ર ડેમનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે મુકત કરવા સામુહિક રજુઆતો, લેખિત રજુઆતો અને પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં અંતે સિંચાઇ વિભાગે ૨૦૨ એમ.સી. એફ.ટી.પાણી છોડવા નિર્ણય કર્યો જે ધારાસભ્ય એ ગોૈરવસમાન તેમજ ખેડૂતોની જીત અને ઇર્ષાળુઓનાં હાથ હેઠા પડયા હોવાનું જણાવેલ.

આખરે ધોરાજી ભાદર-ર ડેમનું પાણી સિંચાઇ માટે મુકત થવાથી જાહેરાતથી ખેડૂતોમાં હર્ષની લાગણી થવા પામી હતી. (૧.૮)

(11:49 am IST)