સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

અમરેલીમાં જી.પી.એસ.સી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન માટે બેઠક મળી

કાલે અમરેલીના ૧૮ પરિક્ષા કેન્દ્રો પર ૪,૫૨૧ ઉમેદવારો પરીક્ષા આપશે

અમરેલી, તા.૨૦: કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજવામાં આવી હતી.

કલેકટરશ્રીએ કહ્યું કે, તા.૨૧  રવિવારે  જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા યોજાનાર છે. અમરેલી ખાતે યોજાનાર આ પરીક્ષા માટે પાંચ કેન્દ્ર રૂટ છે. ૧૮ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા રહેશે. આ તમામ કેન્દ્રો પર કુલ ૪,૫૨૧ ઉમેદવારો જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા આપનાર છે. એસ.ટી. નિગમ અને વીજ વિભાગ દ્વારા આનુષાંગિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પરીક્ષા કેન્દ્રો અને તેની આજુબાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ પરીક્ષા માટે આયોગના ૧૮, તકેદારી ૧૮ અને નાયબ કો-ઓર્ડિનેટર ૫ એમ કુલ ૪૧ની નિમણૂંક કરવામાં આવી છે. પેપર માટે સ્ટ્રોંગરૂમની પણ જરૂરી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડી, અમરેલી ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન, પ્રાઇવેટ ફેકસ અને ખાનગી ઝેરોક્ષ મશીન બંધ રાખવા અને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે અન્ય પ્રકારના કોમ્યુનિકેશન અંગેના સાધનો લઇ જવા અંગે સીઆરપીસીની જોગવાઇ મુજબ પ્રતિબંધ ફરમાવેલ છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૪૪ અન્વયે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવાનું રહે છે. તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર થી વધુ વ્યકિતઓ ભેગા થઇ શકશે નહિ.

પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી અને સુપરવાઇઝરશ્રીઓ પોતાની પાસે મોબાઇલ ફોન કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થાય તેવા ઉપકરણો લઇ જઇ શકશે નહિ. હુકમનું ઉલ્લંઘન કરનાર અને તે માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.(૨૩.૩)

(11:49 am IST)