સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ઉપલેટા સ્કુલમાં પાર્સલ બોંબ મોકલનાર ઓળખાયો

એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ અડધો ડઝન ટુકડીઓ દ્વારા તપાસના ધમધમાટ બાદ અંતે સફળતા મળીઃ સાંજ સુધીમાં આરોપી અંગે પોલીસ ધડાકો કરવાના મુડમાં

રાજકોટ, તા., ૨૦: ઉપલેટાની ક્રિષ્ના  શૈક્ષણીક સંકુલમાં ગત ૧૬મીેએ મળી આવેલ પાર્સલ  બોંબ  પ્રકરણમાં અલગ-અલગ  અડધો ડઝન પોલીસની ટુકડીઓની તપાસના ધમધમાટ બાદ પોલીસને મહત્વની સફળતા મળી છે. સ્કુલમાં પાર્સલ બોંબ મોકલનાર શખ્સ ઓળખાઇ ગયો હોવાનું અને તે હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે. 

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટામાં જુના પોરબંદર રોડ ઉપર આવેલ ક્રિષ્ના શૈક્ષણીક સંકુલના પ્રિન્સીપાલ કમ ટ્રસ્ટી  વલ્લભભાઇ  રત્નાભાઇ ડોબરીયાને અને તેના પરિવારજનોને બોંબથી ઉડાવી દેવાના કારસા અન્વયે કોઇ અજાણ્યા શખ્સે કુરીયર મારફત પાર્સલ બોંબ મોકલ્યો હતો. આ અંગે  પોલીસની જાણ કરાતા પોલીસે તુર્ત જ આ બોંબને સલામત સ્થળે લઇ જઇ  ડીફયુઝ  કરી નાખ્યો હતો. બીજી બાજુ આ પાર્સલ બોંબ સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઇ ડોબરીયા તથા તેના પરીવારને નુકશાન પહોંચાડવાના ઇરાદે જ મોકલાયો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલતા પોલીસે આ પાર્સલ બોંબ મોકલનાર કોણ? તે અંગે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ બોંબ પ્રકરણની તપાસમાં પોલીસની એક ટુકડીએ રાજકોટ અને અમરેલી  એસટી ડેપોના સીસીટીવી ચેક કરતા તેમાં એક શંકાસ્પદ શખ્સ પાર્સલ સાથે જોવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.  ઉપલેટાની ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી કમ પ્રિન્સીપાલને પાર્સલ બોંબ મોકલનાર શખ્સ ઓળખાઇ ગયો હોવાનું અને પોલીસ તેની નજીકમાં હોવાનું જાણવા મળેલ છે.

રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીની ર ટીમો, રૂરલ એસઓજીની ર ટીમો, ઉપલેટા પોલીસની ૧ ટીમ તથા જેતપુર ડીવાયએસપીની ૧ ટીમ મળી કુલ અડધો ડઝન પોલીસની ટીમો દ્વારા શંકાસ્પદ રપ થી ૩૦ શખ્સોની બે દિવસમાં પુછપરછ કરાઇ હતી.  પરંતુ પોલીસને કોઇ મહત્વની કળી મળી ન હતી.

દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે પોલીસે પાર્સલ બોંબ મોકલનાર શખ્સને ઓળખી લીધો હોવાનું અને આ શખ્સ પોલીસના હાથવેંતમાં હોવાનું આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. આ અંગે રૂરલ એસપી બલરામ મીણાનો સંપર્ક સાધતા તેઓેએ જણાવ્યું હતું કે,  ઉપલેટા પાર્સલ બોંબ પ્રકરણમાં પોલીસ આરોપીની નજીક છે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઇ જાય તેવી શકયતા છે.

ઉપલેટા પાર્સલ બોંબ પ્રકરણમાં સાંજ સુધીમાં પોલીસ આરોપી અંગે ધડાકા કરે તેવી વકી છે.

(11:47 am IST)