સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

કાલે વિજયભાઇ રૂપાણી બોટાદમાં : રૂ. ૩૧.૧૭ કરોડના ખર્ચે નવનિર્માણ ન્યાય મંદિરનું લોકાર્પણ

બોટાદ તા. ૨૦ નવરચિત બોટાદ જિલ્લાના લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરીપાકરૂપે બોટાદ જિલ્લા મથક ખાતે અંદાજિત રૂપિયા ૩૧.૧૭ કરોડના ખર્ચે જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી આર. સુભાષ રેડ્ડીના હસ્તે કરવામાં આવશે.

બોટાદ ખાતે કાલે તા. ૨૧ના સાંજે ૪ કલાકે ન્યાય મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના જજશ્રી સોનિયાબેન ગોકાની તથા કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કોર્ટ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફીસ, બેન્ક, એ.ટી.એમ., ઘોડીયા ઘર, લેડીઝ અને જેન્ટસ બાર રૂમ, એડવોકેટ કલાર્ક રૂમ, સ્ટ્રોંગ રૂમ, ગાર્ડ રૂમ, મહિલા – પુરૂષ સિવીલ જેલ રૂમ, સમાધાન રૂમ, લીગલ એઈડ કલીનીક, કેસ ફાઈલીંગ સેન્ટર, સ્ટાફ કેન્ટીંગ, જનરલ કેન્ટીંગ, કોર્ટ વાઈઝ સ્ટેનો રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દામાલ રૂમ, કોન્ફરન્સ રૂમ, વિડીયો કોન્ફરન્સ રૂમ, સરકારી વકીલશ્રીની ઓફીસો, પુછપરછ રૂમ, બગીચો, જુદા – જુદા વાહનો માટેના પાર્કીંગ, મહિલા ફરિયાદ નિવારણ રૂમ, બાર એસોસીએશન માટે લાયબ્રેરી રૂમ, ઝેરોક્ષ રૂમ ઉપરાંત દરેક ફલોર ઉપર પીવાના પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.(૨૧.૬)

(9:57 am IST)