સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

કચ્છ : ચાર લાખની લાંચ લેવાના ગુન્હામાં કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન મારવાડાને સસ્પેન્ડ કરતા ડીડીઓ

ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો

કચ્છમાં ગત મહિને એ.સી.બી. દ્વારા રૂપિયા 4 લાખની લાંચ લેતા પકડાયાં બાદ, કુકમાના સરપંચ  અને તેમના પતિની અટક કરાઈ હતી. જામીન મળ્યા બાદ સરપંચને પાછા પદ પર લવાયા હતા. આજે જિલ્લા વિકાસ અધિકારીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન મારવાડાને આજે પદભ્રષ્ટ કરાયા હતા. ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો. છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૨-૦૮-૨૦૨૧ના રોજ સરપંચ વતી ચાર લાખની લાંચ લેતાં તેમના પતિ અને પંચાયતના સદસ્ય અમરત મારવાડા તેમજ અમરતના કૌટુંબિક મામા અને તેમના પુત્રને એસીબીએ રંગેહાથ ઝડપ્યાં હતા. પાછળથી એસીબીએ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતી વખતે કૉર્ટમાં રજૂઆત કરી હતી કે કંકુ અને અમરતે લેર ગામે આવેલી આશાપુરા પરફોક્લે કંપનીને ગોડાઉનના ઉપયોગ માટે શેડ, એમઈ પ્લાન્ટ અને ફિલ્ટરેશન પ્લાન્ટની બાંધકામ મંજૂરી આપવા તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કંપની સામે કરેલી અરજી પરત ખેંચવા ૧ કરોડ રૂપિયાની માંગણી મૂકી હતી. ત્યારબાદ અમરતે ૩૦ લાખ રૂપિયા તેમજ પોતાના બે પુત્રોને કંપનીમાં નોકરીએ રાખવા તેમજ કંપનીમાં પોતાની ચાર ટ્રકોને કોન્ટ્રાક્ટમાં રાખવા માંગણી મૂકી હતી. અમરત અને રવજી બેઉ કંપનીના મેનેજરના ઘરે રૂબરૂ ગયેલાં અને ૨૫ લાખ રૂપિયા સ્વિકાર્યાં હતા. નાણાંની માંગણી અને નાણાં સ્વિકારતાં હોવાનું વિડિયો રેકોર્ડિંગ ફરિયાદીએ તેના મોબાઈલમાં કરી લીધું હતું.

(10:43 pm IST)