સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th September 2020

કચ્છમાં કોરોનાની સારવાર સબંધીત લોકફરિયાદને પગલે કંટ્રોલ રુમ શરૂ

તાજેતરમા જ રેનબસેરાના દર્દીઓને તપાસવા અને દાખલ કરવા માટે તંત્રના નકારાત્મક અભિગમ સામે કરાઇ હતી ફરિયાદ

ભુજ :દેશ અને રાજયમાં વધી રહેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા તેમજ સાવચેતીના પગલાંરૂપે રાજય સરકાર વિવિધ માર્ગદર્શન અને પગલાંઓ ભરી રહી છે. કોરોના કોવીડ-૧૯માં સામાન્ય જનતા અને અસરગ્રસ્તોમાં તકલીફો અને ભય ઘટે તેમજ કોવીડ અટકાવવાના અસરકારક પગલાં અમલીકરણમાં મુકાય તે માટે કલેકટર પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ કચ્છમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે કુલ ૯ સમિતિઓ પૈકી એક છે ગ્રીવીયન્સ રીડ્રેસલ સમિતિ. આ સમિતિ દ્વારા કચ્છમાં કોવીડ-૧૯ સબંધી ફરિયાદ માટે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલરૂમ ૨૪X૭ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રીવીયન્સ રીડ્રેસલ કન્ટ્રોલરૂમના નં.૦૨૮૩૨-૨૫૨૨૦૭-૨૨૭૪૯૫ છે તેમજ ૬૩૫૯૫૫૮૬૬૮ ઉપર ચોવીસ કલાક મદદ મેળવી શકાશે. આ ઉપરાંત ૧૦૪ અને ૧૦૮ હેલ્પલાઇનની પણ મદદ લઇ શકાશે.
 કોરોનાને લગતી લોક ફરિયાદનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૮/૯/૨૦૨૦થી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કોરોના બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો જણાવેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.

(9:17 pm IST)