સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th September 2019

મુન્દ્રામાં મળ્યું 'ધૂલ કા ફૂલ', સગી જનેતાએ તરછોડેલી નવજાત બાળકીને જીવાડવા માટે સંઘર્ષ

ભુજ તા. ર૦: વાત એક માસુમ નવજાત બાળકીની છે, જેણે પોતાની આંખો તો ખોલી સગી જનેતાના ખોળામાં, પણ, આ માસુમ ફુલને ખુદ તેની સગી જનેતાએ જ તરછોડીને કાંટાઓમાં ફેંકી દીધી.

મુન્દ્રા બારોઇ વચ્ચે ખારી મીઠી વિસ્તારમાં કાંટાળી બાવળની ઝાડીઓમાંથી આવેલા નવજાત શિશુના રડવાના અવાજને પગલે કોઇ ભલા માણસે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો. જાણ થતાં જ તુરત જ ૧૦૮ના પાયલોટ દેવેન્દ્રસિંહ ઝાલા અને ઇએમટી ઇશ્વર પરમાર ખારી મીઠી વિસ્તાર નજીક પહોંચી ગયા હતા. ૧૦૮ના બન્ને કર્મચારીઓએ આ 'ધૂલ કા ફૂલ'ને તરછોડેલી અવસ્થામાં જોયું અને તેમનું દિલ દ્રવી ઉઠયું. માતા દ્વારા ત્યજાયેલી બાળકી હજી નવજાત અવસ્થાની હોઇ તેના માટે હાલના તબકકે તબીબી કાળજી ખૂબ જ જરૂરી હોવાનું સમજતાં દેવેન્દ્રસિંહ અને ઇશ્વરભાઇએ એ બાળકીને લઇને મુન્દ્રા જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ત્યાં સરકારી હોસ્પિટલના તબીબ ડો. મંથન ફફલે તાત્કાલિક સારવાર ચાલુ કરી હતી. તો હોસ્પિટલના નર્સ બહેનો હર્ષાબેન મકવાણા અને શિલ્પાબેન ધાયાણીએ પણ તાજી જન્મેલી આ બાળકીની માવજતપૂર્વક સારવાર આરંભી હતી. આ બાળકીની હાલત સ્વસ્થ લાગતા ડો. મંથન ફફલે મુન્દ્રાની સેવાભાવી સંસ્થા જન સેવાની હેલ્પલાઇન પર ફોન કરીને તેની વધુ કાળજી માટે સામાજિક કાર્યકર રાજ સંઘવીની મદદ માંગી યોગ્ય સ્થળે આ બાળકીને આશરો મળે તે માટે વ્યવસ્થા કરવા જાણ કરી હતી.

રાજ સંઘવી તરત જ હોસ્પિટલમાં દોડી ગયા હતાં અને એ બાળકીની તબિયતની જાણકારી મેળવી ભુજની માનવજયોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઇ મુનવર અને કચ્છ મહિલા આશ્રમના ભકિતબેનને જાણ કરી અને લેડી પોલીસ કોન્સ્ટેબલ સાથે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યસ્થા ગોઠવી હતી. દરમ્યાન મુન્દ્રા પોલીસ વતી પોલીસ કોન્સ્ટેબલ મુકેશ ભાડકા મદદરૂપ બન્યા હતા. તેમણે આ અંગે કાનૂની કાર્યવાહી કરી જરૂરી નિવેદનો લીધા હતા.

આ અંગેમુન્દ્રા પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, ભુજ સુધી બરાબર હેમખેમ પહોંચી આવેલ આ 'ધૂલ કા ફૂલ' માટે જીવનનો સંઘર્ષ આંખ ઉઘડયા પહેલાં જ શરૂ થઇ ગયો છે. પણ, હવે માનવતાના મલમપટ્ટા દ્વારા આ માસુમના અંધકારભર્યા જીવનમાં પ્રકાશ ફેલાય તેવું ઇચ્છીએ.

(3:44 pm IST)