સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th September 2019

થાનગઢનાં સારસાણામાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ

વઢવાણ, તા.૨૦: થાન તાલુકાના સારસાણા ગામની ૪૫ વર્ષીય મહિલાને શંકાસ્પદ કોંગો ફીવર હોવાની વિગતો બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. અને મહિલાના લોહીના નમુના લઇ પૂના લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે તેમજ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે સારસાણા ગામે દવા છંટકાવ સહીતની કામગીરી હાથ ધરી હતી.

જિલ્લામાં ફરી એક વાર કોંગો ફીવરે દેખા દેતા આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું છે. આ અંગે મળતી વિગતો મુજબ થાન તાલુકાના સારસાણા ગામે રહેતા ૪૫ વર્ષીય મહિલાને છેલ્લા થોડા દિવસોથી સતત તાવ આવતો હતો. આથી મહિલાને પહેલા થાન ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાને શંકાસ્પદ કોંગો ફીવર હોવાનું ધ્યાને આવતા મહિલાના લોહીના નમુના લઇ પુના લેબોરેટરી ખાતે ટેસ્ટ કરવા મોકલાયા હતા. જયારે આ અંગે થાન આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાં સારસાણા ગામે દોડી ગઇ હતી.

મહિલાના ઘરની આસપાસમાં રહેતા લોકોના આરોગ્યના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને કોંગો રોગના લક્ષણો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પશુપાલન વિભાગની ટીમ દ્વારા કીટનાશક દવાનો છંટકાવ કરવા સહીતની કામગીરી કરાઇ હતી. આ રોગ પશુઓના શરીર પર રહેલી ઇતરડી પશુને કરડ્યા પછી મનુષ્યને કરડે ત્યારે ફેલાતો હોય છે ત્યારે થાન પંથકમાં પશુપાલકો અને પશુઓની મોટી વસ્તી હોવાથી આ રોગ બીજા લોકોને ભરડામાં લે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમારે જણાવ્યુ કે, હાલ મહિલા અમદાવાદ સારવાર લઇ રહી છે. તેના લોહીના નમુના પુના લેબોરેટરીમાં મોકલાયા છે. રીપોર્ટ આવ્યા બાદ જ કોંગો ફીવર છે કે, કેમ તેની જાણ થઇ શકે.(૨૩.૧૩)

(1:16 pm IST)