સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th September 2019

અનુસૂચિત જાતિ કલ્યાણ સમિત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની મુલાકાતે

ભાવનગર, તા. ર૦ : અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે વિધાનસભા અનુસૂચિત જાતિઓના કલ્યાણ સમિતિના સભ્યોએ અભ્યાસ પ્રવાસ ગોઠવી અનુસૂચિત જાતિના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અને રજુઆતો સાંભળી હતી.

આ બેઠકમાં શિપ બ્રેકીંગ યાર્ડના આગેવાનો દ્વારા હયાત પ્લોટમાં અનામત, અરસ પરસ પ્લોટની ફેરબદલી પ્લોટની પુનઃફાળવણી, વેગન પ્લોટના સ્થાને તમામ પ્લોટમાં ૭% ટકા તેમજ ૧૪% રિઝર્વેશન, ડિફોલ્ટર થયેલ પ્લોટ ધારકોના કેસ રીવ્યુ કરવા, અનુસુચિત જાતિઓને ઉદ્યોગમાં યોગ્ય હિસ્સેદારી આપવી, બેંક સી.સી. પ્લોટ ફાળવણી વગેરે જેવી બાબતો પર અનુસૂચિત જાતિઓ માટે અલગથી વ્યવસ્થા કરવી, તેમજ નાણાકીય, વહીવટી તથા વેચાણ બાબતે વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ હતી.

આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો રજૂઆતને સમિતિએ સાંભળી હતી અને અધ્યક્ષ પ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે ભવિષ્યમાં આ અંગેના તમામ લાભો અનુસૂચિત જાતિઓને મળી રહે તે માટે ઘટતુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં વિધાનસભા અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ  પ્રદીપભાઇ પરમાર, સભ્યો  પ્રવિણભાઇ મારૂ, નૌસાદભાઇ સોલંકી, કરશનભાઇ સોલંકી, પ્રવિણભાઇ મુસડીયા તેમજ એસ.સી., એસ.ટી. શીપ યાર્ડ એસોસીએશનના ડો. જોગદીયા, રતીભાઇ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી બી.જે. સોસા, પોર્ટ ઓફીસરશ્રી ચઢ્ઢા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુકેશભાઇ દવે ઉપસ્થિત રહ્યાં હતાં.(૮.૪)

(10:08 am IST)