સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

પોરબંદરમાં બાંધકામ કમિટી દ્વારા ગેરકાયદે મંજુરીઓની તટસ્થ તપાસ કરવા કોંગ્રેસ દ્વારા આવેદન

પોરબંદર તા. ૨૦ :. ભાજપ શાસિત પોરબંદર નગર પાલિકાના અને છાંયા નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ કમિટીએ ઘરે બેસીને નિયમો વિરૂદ્ધની બાંધકામની મંજુરીઓના પ્રકરણની તપાસ કરવવા માંગણી સાથે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને કલેકટર હસતક આવેદનપત્ર મોકલી આપ્યંુ હતું.

પોરબંદર અને છાંયા નગરપાલિકા કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ નગરપાલિકા હસ્તકની વિસ્તારમાં રહેણાંક મકાનો, કોમર્શિયલ બાંધકામો અને બહુમાળી બિલ્ડીંગોની બાંધકામની મંજુરીઓ નિયમાનુસાર ટાઉન પ્લાનીંગ કમિટીએ આપવાની હોય છે. આ બન્ને નગરપાલિકાઓમાં ટાઉન પ્લાનીંગ કમિટીઓની મિટીંગ મળેલી હતી. જેમાં પોરબંદર નગરપાલિકામાં એજન્ડા મુજબ ૨૮૬ બાંધકામના પ્રકરણો મંજુરી અર્થે રજુ  થયા હતા જયારે છાંયા નગરપાલિકામાં અગાઉ યોજાયેલ ટાઉન પ્લાનીંગ મિટીંગમાં એજન્ડા પ્રમાણે ૮૯ પ્રકરણો રજુ થયાં હતા.

પોરબંદર નગરપાલિકા અને છાંયા નગરપાલિકામાં પછી એક પણ ટાઉન પ્લાનીંગ કમિટીની મિટીંગ મળેલ નથી. આ મિટીંગ બાદ સમગ્ર ગુજરાતમાં બાંધકામની મંજુરીઓ આપવાની સત્તા નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીઓ પાસેથી છિનવી લઇને ઓનલાઇન મંજુરી અર્થે જી.ડી.સી.આર.એ અમલી બનાવવામાં આવ્યો છે.

પોરબંદર નગરપાલિકા અને છાંયા નગરપાલિકામાં નગર નિયોજકશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ટાઉન પ્લાનીંગ કમિટીની મિટીંગ બાદ મિટીંગની મીનીટ બુક બંધ કરીને પ્રોસીડીંગ લખી નાખવાનું હોય છે. અહેવાલ કલેકટર પોરબંદરને સોંપવાનો હોય છે પરંતુ સાડાચાર મહિના સુધી આ ટાઉન પ્લાનીંગ કમિટીનું પ્રોસીડીંગ પુર્ણ કર્યા વગર ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેનોએ પોતાની સત્તાનો દૂરુઉપયોગ કરીને બાંધકામને ગેરકાયદેસર રીતે મંજુરીઓ આપેલ છે. પોરબંદર નગરપાલિકાએ ૯૪૬ બાંધકામોને મંજુરીઓ આપી દીધેલ છે. મતલબ કે ૬૪૦ બાંધકામોને પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીએ બાંધકામોને મંજુરી આપી છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, છાંયા નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેને ગેરરીતિ આચરવા માટે ટાઉન પ્લાનીંગ કમિટીની મીનીટ બુક પોતાના ઘરે રાખીને બાંધકામની પરવાનગીઓ આપી હોવાનો ખુલાસો થયો છે.

ટાઉન પ્લાનીંગનો મૂળભૂત હેતુ શહેરનું વ્યવસ્થિત આયોજન થાય, મિલ્કતો સબંધીત પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ સુરક્ષા સબંધિત પ્રશ્નો ઉભા ન થાય તે માટે રાજ્ય સરકારે બનાવેલી માર્ગદર્શિકાઓ પ્રમાણે બાંધકામોને મંજુરીઓ નગર નિયોજક અને નગરપાલિકાઓના સીટી એન્જીનીયરોના અભિપ્રાય પ્રમાણે બાંધકામોને મંજુરીઓ આપવાની હોય છે પરંતુ ટાઉન પ્લાનીંગ કમિટીઓએ નિયમો અને માર્ગદર્શિકાઓને નેવે મુકી મીટીંગોને બદલે બારોબાર જ બાંધકામોને મંજુરી આપી ભ્રષ્ટાચાર આચર્યો છે.

ટાઉન પ્લાનીંગ કમિટી દ્વારા કરોડોના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરાવવા અને ગેરકાયદેસર રીતે અપાયેલી બાંધકામની મંજુરીઓ રદ કરવા અને ગેરકાયદેસર રીતે મંજુરીઓ આપનાર પોરબંદર નગરપાલિકાઓની ટાઉન પ્લાનીંગ કમીટીના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ આવેદનપત્રમાં માગણી કરી છે.

છાંયા નગરપાલિકામાં અગાઉ બાંધકામ કમિટીના ચેરમેન ઘેર મીનટસ બુક લઇ જઇને ૩૦૦ જેટલી ગેરકાયદે મંજુરીની તપાસ કરવા કોંગ્રેસ દ્વારા માગંણી બાદ પાલિકાના ચીફ ઓફિસરે આ જે ગેરકાયદે મંજુરી રદ કરવામાં આવશે તેમ જણાવેલ હતું. છાંયા પાલિકા જેમ પોરબંદર નગરપાલિકા બાંધકામ કમિટીમાં ૯૦૦ થી વધુ ગેરકાયદે મંજુરી આપવામાં આવી તેની તટસ્થ તપાસ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

(1:48 pm IST)