સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

હાલારના ૧૨ ગામોના ખેડૂતોને પાક માટે ઉંડ-૧ ડેમનું પાણી અપાશે

પુનમબેન માડમની સફળ રજુઆત

જામનગર તા.૨૦: જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પુનમબેન માડમની રજુઆતથી હાલારના ૧૨ ગામોના ઉભા પાકને જીવતદાન મળશે. આ અંગે રાજયના સિંચાઇ મંત્રીએ ઉંડ-૧ ડેમમાંથી મેઇન કેનાલ નીચે આવતા ગામોને સિંચાઇનો લાભ આપવા માટે સાંસદશ્રી પુનમબેનની ભલામણ મંજુર કર્યાનું જણાવ્યું છે જેથી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને સિંચાઇ મંત્રીશ્રી પરબતભાઇ પટેલનો આભાર વ્યકત કરાયો છે.

ઉંડ-૧ સિંંચાઇ યોજના ડાબા કાંઠા કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોનો ઉભો પાક બચાવવા માટે કેનાલમાં પાણી છોડવા અંગે સાંસદ પુનમબેનએ પરબતભાઇ પટેલને ભલામણ કરતો પત્ર પાઠવી જણાવ્યું હતું ક ઉંડ સિંચાઇ યોજનાની ડાબા કાંઠાની કેનાલ વિસ્તારના જામવંથલી સેકશનના ૧૨ ગામો માનસર, તમાચણ, રોજીયા, ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, ફલ્લા, ખીલોસ, રણજીતપર, લાખાણી નાનો વાસ, લાખાણી મોટો વાસ અને જામવણથલી ગામોમાં ચાલુ વર્ષે અપુરતા વરસાદના કારણે ગામોના ખરીફ ઉભા પાક મગફળી, કપાસ, તલના જેવા પાકોને ગંભીર નુકસાન થાય તેમ હોય તે પાકોને બચાવવા માટે ઉંડ કેનાલમાં બે પાણ માટે પાણી છોડવા માટે તમામ ૧૨ ગામના સરપંચશ્રીઓ દ્વારા માંગણી કરાયેલ છે. ઉંડ-૧ ડેમમાં હાલમાં ૧૧૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેથી ઉકત ૧૨ ગામોના ખેડૂતોના પાકને બચાવવા માટે ઉંડ-૧ સિંચાઇ યોજનાની ડાબા કાંઠાને કેનાલમાં બે પાણ માટે પાણી છોડવા મંજુરી આપવા ઘટીત કાર્યવાહી સત્વરે થાય તેવી ભલામણ કરી હતી.

આ બાબતે ગંભીરતા લઇને રાજયના જળ સંપતિ અને પાણી પુરવઠાના મંત્રીશ્રી પરબતભાઇ પટેલએ ઉંડ-૧ ડેમમાંથી ઉંડ-૧ની મેઇન કેનાલની નીચે આવતા ગામોને સિંચાઇનો લાભ આપવાના હેતુથી ૩૦૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવા બાબતે તેમજ ઉંડ-૧ ડેમમાંથી ઉંડ નદીની અંદર જાલીયા માનસર ગામના ચેકડેમ માટે ૩૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવા બાબતની માંગણી અન્વયે મંજુરી આપવામાં આવેલ છે તેમ સાંસદશ્રી પુનબેને પત્રથી જણાવેલ છે. આમ ગ્રામ્ય વિસ્તારની રજુઆતની ગંભીરતા લઇ સરકારમાં તાત્કાલિક ભલામણ અને સરકારશ્રીની તાત્કાલિક મંજુરી મળી ગઇ છે જેથી આ ગામોના ઉભા પાકને જીવતદાન મળશે.

ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇથી માંડી ખેતીની વિવિધ સુવિધા, ખેતીના રક્ષણ, ખેડૂતોના માર્ગના પ્રશ્નો ગ્રામ્યના માર્ગો પરિવહન સુવિધા, આરોગ્ય, શિક્ષણ, જાહેર સુવિધાઓ તમામ માટે સાંસદશ્રી પુનમબેન સતત જાગૃત રહયા હોય જન સુવિધા કરવાના પ્રશ્નો અંગે સાંસદશ્રી પુનમબેન કેન્દ્ર સરકારશ્રીમાં અને લગત વિભાગમાં ભારપુર્વક રજુઆત કરી સતત નિરાકરણ કરાવતા રહયા છે જેનો ખુબ બહોળી સંખ્યામાં બંને જિલ્લામાં નાગરિકો પ્રત્યશ્રી અને પરોક્ષ લાભ મેળવી રહયા છે. પ્રજા પ્રશ્ને સતત જાગૃત સાંસદશ્રી પુનમબેન દ્વારા સફળ પ્રયાસો અંગે વખતો વખત તેમનું આભારદર્શન અને સન્માન પણ સંસ્થાઓ દ્વારા થતું રહયું છે.

(1:47 pm IST)