સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ગીર ફાઉન્ડેશન દ્વારા હળવદ તાલુકામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

હળવદ, તા.૨૦:  ગીર ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહિયારા પ્રયાસથી નેશનલ ગ્રીન કોર યોજના હેઠળ ઈકો કલબ ધરાવતી હળવદ અને માળિયા તાલુકાની શાળાઓ વચ્ચે પર્યાવરણ બચાવો થીમ હેઠળ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ વકતૃત્વ સ્પર્ધાના વિષયના અનુસંધાને પ્રથમ નંબરે રહીને ગોયલ લિલમબેન રવજીભાઈએ સાતત્યપૂર્ણ વિકાસ માટે જૈવિક વિવિધતા વિષય ઉપર જારદાર વકતવ્ય આપ્યું હતું. બીજા નંબરે રહીને દેત્રોજા હર્ષ દશરથભાઈએ સાતત્યપૂર્ણ વિકાસ માટે પાણી વિષય ઉપર ધારદાર વકતવ્ય આપ્યું હતું. આ સ્પર્ધાના મુખ્ય અતિથિ તરીકે હળવદ તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દઢાણિયા, દિનેશભાઈ સરવૈયા, સોશ્યલ મોબીલાઈઝર હાજર રહ્યા હતા.

આ સ્પર્ધામાં ટોપ - થ્રી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા આપેલ વકતવ્યથી શ્રી દઢાણિયા ખુબ જ પ્રભાવિત થયા હતા અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવનારને ૧પ૦૦, બીજા નંબરને ૧૦૦૦, ત્રીજા ક્રમાંકે રહેલને પ૦૦ રૃપિયાનું પ્રોત્સાહિત ઈનામ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે તેમજ શાળાના મેનેજિંગ ડિરેકટરશ્રીએ ત્રણેય વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાવાળા મોટા કુંડા ભેટમાં આપ્યા હતા અને તે વૃક્ષનું જતન વિદ્યાર્થીઓ કરશે તેવું વિદ્યાર્થીઓએ વચન આપ્યું હતું. આ કાર્યક્રમ નિમિતે મેનેજિંગ ડિરેકટર મહેશભાઈ પટેલ, સંચાલકશ્રી હિતેશભાઈ કૈલા, પ્રિન્સીપાલ અરવિંદભાઈ સોલંકીએ ત્રણેય વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ જઈને પોતાની આગવી શૈલીથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્ઠા પાઠવી હતી.(૨૨.૫)

(12:12 pm IST)