સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

‘બાતમી આપીને દારૂ પકડાવે છે ને આજે તો જીવતો નથી જવા દેવો' તેમ કહીને સાયલાના નાગડકામાં ફાયરીંગ

વઢવાણ તા. ૨૦ : સાયલા તાલુકાના નાગડકા ગામમાં પાઉંભાજી ખાવા માટે જઇ રહેલા બે મિત્રોને આંતરી પોલીસને બાતમી આપીને તું અમારો દારૂ પકડાવે છે. આજે તો જીવતા નથી જવા દેવા તેવુ કહી ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. આટલુ જ નહી પરંતુ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ફાયરિંગ કર્યુ હતુ. તેમજ ફરિયાદીના મામાના ઘર પર પણ ફાયરીંગ કરતા મામાને ઇજા થઇ હતી. આ બનાવ અંગે સાત શખ્‍સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ᅠ

નાગડકા ગામે રહેતા રવુભાઇ વલકુભાઇ ધાધલ અને તેમના મિત્રજયેશભાઇ ઉર્ફે કાળુભાઇ નકુભાઇ ખાચર કાર લઇને ભડલા પાઉભાજી જમવા માટે જતા હતા. દરમિયાન દિલીપભાઇ જીલુભાઇ જેબલીયા તેમના મિત્રો સાથે કાર લઇને ધસી આવ્‍યા હતા. અને રવુભાઇની કારને આંતરી દારૂ પકડાવવાની બાબતનું વેર રાખી મિત્રો સાથે તૂટી પડયા હતા.

જેમાં રવુભાઇના મિત્ર જયેશભાઇને કુહાડીનો ઘા ઝીંકતા હાથ પર ઇજા થઇ હતી. હૂમલાખોરોથી બચવા માટે રવુભાઇ તથા તેમના મિત્ર જયેશભાઇ અંધારાનો લાભ લઇને સીમમાં ભાગી ગયા હતા. તો તેમની પાછળ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્‍યા હતા. પરંતુ અંધારૂ હોય નિશાન ચૂકી જતા બેમાંથી એકપણ મિત્રને ઇજા થઇ ન હતી. બાદમાં રોષે ભરાયેલા આરોપીઓએ પેટ્રોલ છાંટીને કારમાં આગ લગાવી દીધી હતી. અને ફરીયાદીના ઘરમાં ટીવી, કબાટ સહિતના સામાન તેમજ બાઇકમાં તોડફોડ કરી આતંક મચાવ્‍યો હતો.આટલેથી પણ સંતોષ ન થતા ઉશ્‍કેરાયેલા આરોપીઓ એ ફાયરિંગ કર્યું હતું.

પોલીસે દીલીપભાઇ જીલુભાઇ જેબલીયા, પ્રતાપભાઇ જીલુભાઇ - નાગડકા,  જીલુભાઇ ટપુભાઇ - નાગડકા, શાંતુભાઇ ટપુભાઇ - નાગડકા, રણજીતભાઇ વીશુભાઇ, સાંગોઇ, કુલદીપભાઇ શીવકુભાઇ - મોટામાત્રા, શીવકુભાઇ ભોજભાઇ - નાગડકા સામે કાર્યવાહી કરી છે.

 

(10:54 am IST)