સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા બે બાળકીઓનો જીવ બચાવનાર પોલીસ જવાનનું બહુમાન

ટંકારા તા. ર૦ :.. પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા બે બાળકીઓનો જીવ બચાવનાર બહાદુર પોલીસ જવાનનું બહુમાન કરાયેલ છે.

ટંકારામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે વોંકળામાં ભારે પુર આવેલ. તેમાં કલ્યાણપુર રોડ ઉપર રહેતા કાંગસીયા પરિવારના ઘરોમાં પાણી ઘુસી ગયેલ. ૪૩ વ્યકિતઓ સ્ત્રી-પુરૂષ, બાળકો પાણીમાં ફસાય ગયેલ.

ટંકારાના પીએસઆઇ એલ. બી. બગડા તથા મામલતદાર બી. કે. પંડયા તથા સ્ટાફ બચાવવા દોડી ગયેલ.

ટંકારા પોલીસના પૃથ્વીસિંહ જાડેજા, તથા ફિરોજખાન પઠાણે પુરના પાણીમાં ઝૂંપડા સુધી જઇ લોકોને સલામત બહાર કાઢેલ.

તેમાં પૃથ્વીરાજસિંહે બે બાળકીઓને પોતાના ખભ્ભે બેસાડી. એકાદ કીલો મીટર છાતી સમાણા પાણીમાં ચાલી બચાવેલ. તેનો વિડીયો વાયરલ થયેલ.

ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા બે બાળાઓનો જીવ બચાવનાર પૃથ્વીસિંહ જાડેજા તથા ફિરોજભાઇ પઠાણ, પીએસઆઇ નું બહુમાન સન્માન વ્યવસ્થાપક રમેશભાઇ ગાંધી, ટ્રસ્ટી રમેશભાઇ મણીયાર દ્વારા કરાવેલ.

આ પ્રસંગે પાંજરાપોળમાં સેવા કાર્ય કરતા યુવાનો દિલીપભાઇ પટેલ, કેતનભાઇ ગાંધી, જગદીશભાઇ ગઢવી, ધવલભાઇ ગાંધી, હિતેષભાઇ મણીયાર, વિજયભાઇ ગાંધી, મિતેષ મહેતા વિગેરે યુવાનો ઉપસ્થિત રહેલ. 

પીએસઆઇ એમ. એલ. બગડા તથા પૃથ્વીસિંહ જાડેજાએ આભાર વ્યકત કરેલ.

(1:18 pm IST)