સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th August 2018

લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક રાજીનામા મુદ્દે ફેર વિચારણા કરેઃ ગિરીશભાઇ કોટેચાની માંગણી

જુનાગઢ તા.૨૦: વિશ્વભરમાં વસવાટ કરતો રઘુવંશી સમાજ અન્ય સમાજો માટે પ્રેરણારૂપ છે. આ સમાજના સર્વાગ વિકાસ માટે અખિલ લોહાણા મહાપરિષદની રચના કરાયેલ અને સમગ્ર સમાજએ સર્વાનુમતે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ કોટકની નિમણૂંક કરી હતી પરંતુ અમુક ખાતસ્વાદિયાઓને કારણે પ્રવિણભાઇએ પ્રમુખ પદેથી રાજીનામુ ધરતા સમાજએ આંચકો અનુભવ્યો છે. તેમાં ફેર વિચારણા કરવા સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના સુપ્રિમો ગિરીશભાઇ કોટેચાએ માંગણી કરી છે.

મહાપરિષદના પુર્વ પ્રમુખ યોગેશભાઇ લાખાણી સમાજના આગેવાનોએ આજથી બે વર્ષ અગાઉ મહાપરિષદના પ્રમુખનો તાજ પ્રવિણભાઇ કોટના શિરે સર્વાનુમતે મુકાયો હતો ત્યારે નવનિયુકત પ્રમુખ પાસે સમાજએ સર્વાંગી વિકાસની આશા સેવી હતી. આ દિશામાં પ્રવિણભાઇ કોટકએ કામગીરી આરંભી હતી. અમદાવાદમાં મહાપરિષદની ઓફીસ શરૂ કરી સમાજના વિકાસ અને સંગઠન સહિતની કાર્યવાહી આરંભી હતી. અને તેનો તમામ આર્થિક બોજ પોતે વહન કરતા હતા. અમદાવાદમાં સમાજના વિદ્યાર્થીઓ માટે અંદાજે રૂ.૮૦ કરોડના ખર્ચે બોડિંર્ગનું આયોજન હાથ ધરાયું હતું.

મહાપરિષદના મોભીના સમાજલક્ષી દ્રષ્ટિકોણથી વિશ્વમાં વસતા રઘુવંંશીઓ આર્થિક યોગદાન આપવા આગળ આવ્યા હતા. અને સમાજના અનોખા વિકાસના ઉદયથી કેલાક વિધ્નસંતોષીઓએ પોત પ્રકાશતા, આ ખટપટથી કંટાળી પ્રવિણભાઇએ મહાપરિષદના પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દેવાનો નિર્ણય કર્યોં છે. આ નિર્ણયને રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ એ દુઃખદ ગણાવ્યો છે. સમગ્ર સમાજએ આંચકો અનુભવ્યો છે. તેથી આ નિર્ણયમાં ફેર વિચારણા કરી, રાજીનામાંનો નિર્ણય પડતો મુકવા સમગ્ર લોહાણા સમાજ આગળ આવે તેવી ગિરીશભાઇ કોટેચાએ હાકલ કરી છે.

રઘુવીર સમાજમાં પ્રવિણભાઇ કોટકનું નામ આદર સાથે લેવાય છે અને તેઓ સમાજ માટે કંઇક કરી છૂટવા સક્રિય બનતા તેમને પછાડવા મેદાને નીકળેલાઓને સમાજ એ ઓળખી લેવાનો સમય પાકી ગયો છે. તેમ ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ ટી. કોટકે પોતાના પદ ઉપરથી ઓચિંતુ રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનુ લેખીત રાજીનામું આપ્યા બાદ લોહાણા સમાજની જુદી-જુદી સંસ્થાઓને રાજીનામની નકલ ફોરવર્ડ કરી છે.

છેલ્લા ૮ દિવસથી સહપરિવાર બનારસ-કાશી તેઓ ગયા હતા. જયાંથી પરત આવ્યાના થોડા કલાકોમાં જ તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે લેખીતમાં પોતાની આડકતરી મનોવ્યથા ઠાલવી છે.

શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ તરીકેના પદભાર સમયે લીધેલા તમામ સંકલ્પોને પરીપુર્ણ કરવા સતત પોતે અને તેમનો પરીવાર સક્રિય રહયો છે. દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ અને મારા વડપણ હેઠળના સર્વે પદાધિકારીઓ અને કારોબારી સમીતીએ મને ખુબ સાથ આપ્યો છે. લોહાણા મહાપરીષદની ધુરા સંભાળ્યા બાદ ટીમની મહેનતથી સંસ્થા સફળતાના શિખરને આંબતી હોય ત્યારે ઇર્ષા થવી, રાગદ્રેષ થવો, ભુલો કાઢવી, ટીકાઓ કરવી સ્વભાવીક હોવાનું જણાવી તેમણે તેમની આડકતરી મનોવ્યથા ઠાલવી છે.

૧પ મી ઓગષ્ટે મારા પદ પરથી આઝાદ થવા ઇચ્છુ છું. આ આઝાદી બંન્ને તરફની રહેશે. એનો જ આનંદ મને અને મારા શુભેચ્છક મિત્રોને અને બહોળા પરિવારને રહેશે તેવું જણાવી અંતમાં પોતાની અને પોતાના પરીવારની જરૂર જયારે જયારે ઉભી થાય ત્યારે મારા માતાશ્રી સરસ્વતી બહેન અને પિતાશ્રી તલકશીભાઇએ આપેલી સંસ્કારીકા મુજબ પુરી કરવા તત્પર રહીશ તેવુ તેમણે જણાવ્યું છે. અગાઉ તેમણે પાટણ સભામાં પણ રાજીનામાની જાહેરાત કરી ત્યારે સમાજ માટે સમય-પૈસા વાપરૂ છું છતાં થતા આક્ષેપો અંગે ઇશારો કર્યો હતો.

(4:17 pm IST)