સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th August 2018

પોરબંદરઃ ઘી માં ભેળસેળ કરવાના ગુનામાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

પોરબંદર તા.૨૦: પોરબંદરમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નવા કાયદાના ગુન્હામાં ઘી જેવા ખાદ્ય-પદાર્થના ભેળસેળના ગુનામાં આરોપીનો કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

હાલના કેસની વિગત મુજબ તા. ૨૦/૧૦/૧૨ ના રોજ પોરબંદર નગરપાલિકાના ફુડ સેફટી ઓફીસરે ભાવેશ છોટાલાલ નામના વેપારીની મુલાકાત લઇ ગ્રાહકને વેંચાણ કરવા માટે રાખવામાં આવેલ આશરે ૧૦ થી ૧૨ કિલો ઘી જથ્થામાં રાખેલ. તેમાંથી ચાર નમુનાઓ લઇ ફુડ એનાલીસીસ બરોડાને મોકલતા નમુનો અનસેઇફ જાહેર થતા ફુડ સેફટી ઓફીસરે તા. ૨૭/૯/૨૦૧૩ના રોજ પોરબંદર ના મે. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં આરોપી સાથે ફુડના નવા કાયદા મુજબ ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ કોર્ટમાં ફુડ સેફટી ઓફીસર સહિતના તમામ સાહેદોની જુબાનીઓ નોંધવામાં આવેલ અને તેજ રીતે આરોપીનું પણ નિવેદન નોંધવામાં આવેલ. અને બંને પક્ષોની દલીલ સાંભળી આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે.

આ કામે આરોપી ભાવેશ છોટાલાલ તરફે પોરબંદરના જોખીયા એડવોકેટ્સ તરફથી વકીલ શ્રી ડી.ઓ. જોખીયા, વી.ઓ. જોખીયા, સલીમભાઇ જોખીયા, સરફરાઝભાઇ જોખીયા તેમજ રમેશભાઇ જે. ગોહેલ અને અકબર સેલોત વકીલ તરીકે રોકાયેલ હતા.

(11:46 am IST)