સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th July 2018

કેન્દ્ર સરકાર ગુજરાતને હાઉસીંગ પ્રોજેકટસ માટે કુલ રૂ. ૪૩૩૬ કરોડની સહાય આપશે રાજ્યમાં કુલ ૨.૭૩ લાખ નવા આવાસોનું નિર્માણ થશે

કેન્દ્રીય, આવાસ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રીનો રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીને ઉત્તર

જામનગર તા. ૨૦ : કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) – પી.એમ.એ.વાય. (યુ) અંતર્ગત ગુજરાત રાજય ને શહેરી આવાસ નિર્માણ માટે રૂ.૪૩૩૫.૯૯ કરોડ ની આર્થિક સહાય આપવાનુ આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત, રાજયમાં લાભાર્થીઓને ૮૪,૯૩૧ આવાસોની ફાળવણી અત્યાર સુધીમાં થઈ ચુકી છે. પી.એમ.એ.વાય. (યુ) યોજના અંતર્ગત દેશના વિવિધ રાજયોને આપવામાં આવનારી કુલ આર્થિક સહાયની રકમ અંદાજીત રૂ.૭૮,૦૦૮ કરોડ છે.  કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સીંગ પુરી દ્વારા ઉપરોકત માહિતી તા. ૧૯ જુલાઇ ૨૦૧૮ ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પુછાયેલ પ્રશ્નના જવાબમાં રાજયસભામાં રજુ કરવામાં આવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, સરકાર આ યોજના અંતર્ગત કુલ ૧૦૩૭૧ આવાસ નિર્માણની પ્રોજેકટ પ્રસ્તાવો અંગે વિચારાધીન છે, જેમાંથી ૩૩૨ પ્રોજેકટ પ્રસ્તાવ ગુજરાતના અને ૩૩૦ પ્રોજેકટ પ્રસ્તાવ ઝારખંડના છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૭,૬૫૩ કરોડ ની આર્થિક ફાળવણી કરી છે, જેમાં ગુજરાતને કરાયેલી રૂ. ૨૬૭૨.૬૬ કરોડ અને ઝારખંડને કરાયેલી રૂ. ૯૭૫.૦૬ કરોડની ફાળવણીનો સમાવેશ થાય છે. દેશભરમાં કુલ ૫,૯૪,૦૧૦ આવાસોનુ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચુકયું છે, જેમાં ગુજરાતના ૯૭,૫૧૩ અને ઝારખંડના ૩૪,૪૧૭ આવાસોનો સમાવેશ થાય છે. આ તૈયાર થયેલ આવાસોમાં દેશના વિવિધ રાજયો માં કુલ ૫,૨૬,૪૯૬ આવાસોની ફાળવણી થઈ ચુકી છે, જેમાં ગુજરાતના ૮૪,૯૩૧ અને ઝારખંડના ૩૨,૭૩૦ આવાસોનો સમાવેશ થાય છે.

શ્રી નથવાણી શહેરી ગરીબો માટે રાજયો ને આવાસ નિર્માણ માટે સરકાર દ્વારા આર્થિક સહાયમાં વધારો કરવાનું આયોજન છે અને શહેરી ગરીબો માટેના આવાસ નિર્માણ યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિ શું છે તે જાણવા માગતા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યારે સરકાર દ્વારા શહેરી ગરીબો માટે આવાસ નિર્માણ માટે રાજયોને આર્થિક સહાય વધારવાનું કોઇ આયોજન નથી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે આ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૨,૭૩,૦૫૦ આવાસોને સામેલ કરવામાં આવ્યા છે, જયારે ઝારખંડમાં કુલ ૧,૬૯,૫૨૭ આવાસો સામેલ કરાયા છે, જેમાંથી ગુજરાતમાં ૧,૮૫,૫૩૫ અને ઝારખંડમાં ૮૬,૨૩૬ આવાસોનું બાંધકામ શરુ કરી દેવામાં આવ્યું છે. જયારે દેશભરમાં કુલ ૫૧,૧૦,૩૮૨ આવાસોને આ યોજના અંતર્ગત સામેલ કરાયા છે અને ૨૬,૧૨,૪૬૦ આવાસોનું બાંધકામ કાર્ય શરુ થઈ ચુકયું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) (PMAY-U) નો અમલ જુન ૨૫, ૨૦૧૫થી કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૨ સુધીમાં પાત્રતા ધરાવતા દરેક શહેરી પરિવારોને બુનિયાદી સુવિધાઓ સાથેના દરેક ઋતુમાં રક્ષણ આપે તેવા પ્રકારનાં પાકાં મકાન ઉપલબ્ધ કરાવવાનો છે.

(12:50 pm IST)