સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

મોરબી નજીક ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘુસ્યું : લોકોનો આબાદ બચાવ

દુકાનમાં બેઠેલા લોકોએ સાવચેતી વાપરતા ટાયર આવે એ પહેલા જ હટી ગયા હતા: વિડિઓ વાયરલ

મોરબીમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપર જતી ટ્રકનું ટાયર અચાનક  નીકળતા હાઈવે પાસે રહેલી દુકાનમાં ફૂલ સ્પીડમાં ઘૂસી ગયું હતું. જોકે, દુકાનમાં બેઠેલા લોકોએ સાવચેતી વાપરતા ટાયર આવે એ પહેલા જ હટી ગયા હતા. આમ મોટી જાનહાની ટળી હતી. જોકે, ટાયરના કારણે દુકાનને નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે મોરબીના મોરબી-નવલખી હાઈવે ઉપર આવેલા ખાખરાળો ગામે એક અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અહીં આજે રવિવારે બપોરના સમયે હાઇવે ઉપરથી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના પાછળનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું.

આ ટાયર ફૂલ સ્પીડમાં હાઈવે નજીક આવેલા રવેચી સ્ટી સ્ટોલમાં ઘૂસી ગયું હતું. આ સમયે દુકાનામાં ત્રણ લોકો અને ટીસ્ટોલની બહાર રાખેલા બાંકડા ઉપર બે બાળકો બેઠાં હતા. જોકે, ટાયરને આવતા જોઈને લોકો ત્યાંથી હટી ગયા હતા.

આમ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ટી સ્ટોલને ધડાકાભેર ટાયર અથડાતા તેને મોટું નુકસાન પહોંચ્યું હતું. ટાયર અકસ્માતનો આ સમગ્ર વીડિયો નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટી સ્ટોલ અને દુકાનમાં કેટલાક લોકો ઊભા છે અને બાજુમાં આવેલા હાઈવે ઉપર વાહનોની અવર જવર ચાલું છે. આ સમયે હાઇવે ઉપર એક ટ્રક પસાર થાય છે. અને તેનું ટાયર છૂટું પડીને સીધું જ દુકાનમાં ઘૂસી જાય છે. અને સમય સૂચકતાના કારણે દુકાનમાં હાજર લોકોનો આબાદ બચાવ થાય છે.

(8:26 pm IST)