સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ :ખારો ડેમમાં 424 ક્યુસેક, રંઘોળા ડેમમાં 2141 ક્યુસેક અને પીંગળી ડેમ માં 42 ક્યૂસેક નવા પાણીની આવક

 ભાવનગર: શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના જળાશયોમાં હવે નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. આજે શેત્રુંજી ડેમ ઉપરાંત રજાવળ, ખારો, રંઘોળા અને પીંગળી ડેમમાં નવા નીરની આવક નોંધાઇ હતી. જ્યારે રંઘોળા ડેમ અને પીંગળી ડેમની સપાટીમાં વધારો થયો છે.

ભાવનગર જિલ્લામાં કુલ 11 મુખ્ય જળાશયોમાં  420.68 મિલિયન ક્યુબિક મીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે અને તેની સામે હાલ જળાશયોમાં 217.15 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે, જેથી જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના 51.62 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભ થતાં સતત સતત ત્રીજા દિવસે થયેલા વરસાદ (Rain) થી જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે, જેમાં શેત્રુંજી ડેમ માં 2030 ક્યુસેક, રજાવળ ડેમમાં 294 ક્યુસેક, ખારો ડેમમાં 424 ક્યુસેક, રંઘોળા ડેમમાં 2141 ક્યુસેક અને પીંગળી ડેમ  માં 42 ક્યૂસેક નવા પાણીની આવક શરૂ થઇ છે.

જિલ્લાના કુલ બે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે જેમાં રંઘોળા ડેમની સપાટી 4 ઇંચ વધીને 22.10 ફૂટ થઈ છે જ્યારે પીંગળી ડેમની સપાટીમાં પણ 4 ઇંચનો વધારો થતાં 17 ફૂટ થઇ ગઇ છે. ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ થતાં જળાશયોમાં નવા નીરની આવક થતાં લોકો ખુશ થયા છે.

ગુજરાત માં ધમાકેદાર ચોમાસાનું આગમન થઇ ચૂકયું છે. જ્યારે ચોમાસાના પ્રારંભિક વરસાદ (Rain) માં જ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે ઊંડા ઉતારવામાં આવેલ તમામ ચેકડેમો છલકાઇ ગયા છે. ચેકડેમો છલકાઈ જતાં ખેડૂતો (Farmer) ના વાડી ખેતરોમાં  પિયત માટેના બોર-કૂવામાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

જિલ્લાના ​​​​ગારીયાધાર તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ શરૂ રહેતાં તાલુકાના પરવડી ગામનુ લક્ષ્મી તળાવ ભરાય ગયુ છે. આ તળાવ ભરાતાં ખેડુતો ખેડૂતો ને સીધો લાભ મળશે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે.

(3:30 pm IST)