સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th June 2020

આઇશરમાં ખીચોખીચ આઠ ભેંસ, બે પાડા ભરીને જતો શખ્સ પકડાયો

ખંભાળીયાના મોટી ખોખરીથી આઠ ભેંસો અને બે પાડા ભરી તાપી લઇ જતો'તો : જીવદયા કાર્યકરોએ બેડી ચોકડીએ પકડી બી-ડિવીઝન પોલીસને સોંપ્યોઃ છ ભેંસ લઇ જવાની જ મંજુરી હતી, પણ ચાલકે દસ પશુને પાણી-ઘાંસચારા વગર પુર્યા હતાં

રાજકોટ તા. ૨૦: ખંભાળીયાના મોટી ખોખરી ગામેથી આઇશરમાં ખીચોખીચ આઠ ભેંસ અને બે નાના પાડા ભરીને તાપી તરફ જવા નીકળેલા કલ્યાણપુરના રાજપરા ગામના શખ્સને જીવદયા કાર્યકરોએ બેડી ચોકડીએ પકડી લઇ પોલીસને સોંપતા પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ટ્રકમાં માત્ર છ ભેંસોને જ લઇ જવાની મંજુરી હોવા છતાં ચાલકે આઠ ભેંસો અને બે પાડાને ક્રુરતા પુર્વક ભર્યા હતાં.

આ બારામાં બી-ડિવીઝન પોલીસે જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં અને બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાયનું તેમજ જીવદયાનું કામ પણ કરતાં રામજી હઠાભાઇ તાવડીયા (ભરવાડ) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાબેના રાજપરા ગામના સવદાસ હરમાલભાઇ ભોચીયા સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

રામજી તાવડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવારે સાંજે હું માધાપર ચોકડીએ હતો ત્યારે મિત્ર દિપ ધ્રોલીયાએ ફોન કરી જાણ કરી હતી અને તાત્કાલીક બેડી ચોકડીેએ આવવાનું કહ્યું હતું. હું ત્યાં જતાં એક આઇશર જીજે૩૭ટી-૪૫૮૮ ઉભી હતી. જેના ચાલકનું નામ પુછતાં તેણે સવદારસ ભોચીયા (આહિર) કહ્યું હતું. આઇશરના ઠાઠામાં જોતાં આઠ ભેંસો અને બે નાના પાડા ખીચોખીચ ઘાંસચારો કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતાથી પુરેલા જોવા મળ્યા હતાં. આ ભેંસો બાબતે ડ્રાઇવરને પુછતાં તેણે પોતે ખંભાળીયાના મોટી ખોખરી ગામેથી ભરી હોવાનું કહ્યું હતું. દાખલો ભમાંગતા તેણે ગ્રામ પંચાયતનો દાખલો બતાવ્યો હતો. જેમાં છ ભેંસોને જ લઇ જવાની મંજુરી હતી. આમ છતાં તેણે આઠ ભેંસો અને બે પાડા ભર્યા હોઇ અમારી સાથેના અલ્પેશભાઇ લહેરૂએ પોલીસને ફોન કરતાં પોલીસ આવી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી.

ભેંસો અને પાડાને તાપી જીલ્લાના વ્યારા તાબેના માંડવી ગામે લઇ જવાની હોવાનું પણ આઇશરના ડ્રાઇવરે જણાવ્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને મુકત થયેલી ભેંસો-પાડાને પાંજરાપોળમાં મુકવા તજવીજ કરી હતી.   એએસઆઇ સુધાબેન ડી. પાદરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)