સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

ગીરમાંથી રેલવે લાઈન હટાવવા અને રાતની ટ્રેન બંધ કરવા સૂચન

સિંહોના મોત મામલે એમીકસ કયુરીનો રિપોર્ટ : ગેરકાયદે લાયન શો કરતા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવા અને બિનજામીનપાત્ર ગુણો ગણવાના સૂચનો કરાયા

અમદાવાદ,તા. ૨૦  : રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન અગાઉ હાઈકોર્ટે કોર્ટ સહાયકને આ મામલે ડિટેઇલ્ડ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે એમીકસ કયુરી(કોર્ટ સહાયક) દ્વારા આજે નવથી વધુ મહત્વના મુદ્દાઓને લઇ રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. એમિક્સ ક્યુરીએ રિપોર્ટમાં રેલવે લાઈન, ગેરકાયદે લાયન શો સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા. જેમાં ગીર અભ્યારણમાંથી રેલવે લાઈન હટાવવા અને રાતની ટ્રેનો બંધ કરવા તથા માઈનિંગ અટકાવવા માટે સૌથી મહત્વના સૂચનો કરાયા હતા. હાઇકોર્ટે એમીકસ કયુરીનો રિપોર્ટ રેકર્ડ પર લીધા બાદ હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. સિંહોના મોત મામલે એમીકસ કયુરીએ રજૂ કરેલા રિપોર્ટમાં જે મહત્વના સૂચનો કર્યા હતા તેમાં, રેલવે ટ્રેક પાસે ફેન્સીંગ કરવાને કારણે સિંહોનું પ્રાકૃતિક પ્રમાણ ઘટી રહ્યુ છે તેથી રાત્રે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ, ટ્રેનની અડફેટે સિંહોનાં મોતને અટકાવવા માટે રાતની ટ્રેનોને બંધ કરવી જોઇએ, ગીર અભ્યારણમાં પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની પણ જરૂરિયાત પર ભાર મૂકાયો છે,  ગીર અભ્યારણમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને પણ શિફ્ટ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સિંહોનાં ગળામાં વીડિયો કોલિંગ અને જીપીએસ કનેક્ટિવિટીનું પણ સૂચન કરાયુ છે. ગીર અભ્યારણમાં ચાલતી વિવિધ માઈનિંગ પ્રવૃતિને કારણે પણ સિંહોનાં મોત થાય છે તેથી તે બાબતે પણ અસરકારક પગલાં ભરાવા જોઇએ, ગેરકાયદે લાયન શો કરતાં લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવી અને બિનજામીનપાત્ર ગુનો ગણવો જોઇએ, સિંહોના શિકાર માટે ગીરમાં ઘટી રહેલી પશુઓની સંખ્યા વધારવી જોઈએ. જો કે આ રિપોર્ટમાં એ વાત પણ સ્પષ્ટ કરાઇ છે કે, ઈલેક્ટ્રિક ફેન્સિંગને કારણેકોઈ સિંહોનાં મોત નીપજ્યા નથી. તેની સાથે સાથે એમીક્સ ક્યુરીએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, સિંહો માટે પાણીની અછત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

(7:56 pm IST)