સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

કાલે જુનાગઢ પંથકમાં ૩ લાખ લોકો કરશે યોગ

યોગ ફોર હાર્ટ કેર ની થીમ સાથે જૂનાગઢ જિલ્લાના ૧૩૫૬ સ્થળોએ ૩ લાખથી વધુ લોકો યોગ કરશેઃ કૃષિ યુનિ. કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેઃ ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહેશે

જૂનાગઢ,તા.ર૦ :  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તા.૨૧ જૂનની જૂનાગઢ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઐતિહાસિક, સાસ્કૃતિક મહત્વ ધરાવતા જૂનાગઢ જિલ્લામાં ૧૩૫૬ સ્થળોએ ૩ લાખથી વધુ લોકો  યોગ ફોર હાર્ટ કેર  ની થીમ સાથે યોગ કરશે. કૃષિ યુનિવર્સિટી  જૂનાગઢ ખાતે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઈ ભંડેરી, મેયર  આધશકિતબેન મજમુદાર, સાંસદ  રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય  ભીખાભાઈ જોષી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલા માનવતાના આદર્શ  સીદ્ઘાંતો છે. ગુજરાત સરકાર પણ રાજયના નાગરિકોમાં આ સિદ્ઘાંતોના અનુરોપણ  માટે સક્રિય છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લોકો સાથે શાળા- કોલેજોના વિધાર્થીઓ- બાળકો- સમાજશ્રેષ્ઠી  સેા ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે.પ્રધાનમંત્રી ના પ્રેરક સંદેશાનું યોગ અભ્યાસના સ્થોળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિતેશ દિહોરા તેમજ જિલ્લા રમતગમત કચેરીની ટીમ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વ્યાયામ મંડળો, બ્રહ્માકુમારી, પતંજલી, સ્વામીનારાયણ મંદિર, આર્ટ ઓફ લીવીંગ,મહિલા મંડળ, જિલ્લા પોલીસ, એનસીસી હોમ ગાર્ડ,સહિત સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ ભાગ લેશે.

જિલ્લાના મુખ્ય સ્થળો  કૃષિ યુનિવર્સિટી ,  જિલ્લા જેલ, પોલીસ તાલીમ કેન્દ્ર, જોષીપુરા પટેલ કન્યા છાત્રાલય  અને બહાઉદીન કોલેજ ખાતે સીનીયર સીટીઝન, લાયન્સ કલબ, રોટરી કલબ, સ્વામી વિવેકાનંદ મંડળ, સત્યમ સેવા યુવક મંડળ સહિતના લોકો યોગાભ્યાસમાં જોડાશે.

 ઐતિહાસિક ૯ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી

આગવી ઐતિહાસિક વિરાસત ધરાવતા ગીરનાર પર્વતના અંબાજી મંદિરે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. અહિ માર્શલ આર્ટ એકેડેમીના સભ્યો જોડાશે. આ ઉપરાંત જૂનાગઢના ઉપરકોટ, મહોબ્બત મકબરા અને ભવનાથ તળેટીમાં યોગ થશે. નરસિંહ મહેતાનો ચોરો,બહાઉદીન કોલેજ,અક્ષર મંદિર અને વીલીંગ્ડન ડેમ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે એમ   હિતેશ દિહોરાએ જણાવ્યું હતુ.

જૂનાગઢ જિલ્લાના રાજય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો, ગ્રામ્ય વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ સવારના ૬-૧૫ થી ૮ કલાક સુધી યોજાશે.

(4:06 pm IST)