સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

પ્રાચીન શિલ્પો વાતાવરણની અસરથી ખવાતા જાય છે : પરેશ પંડ્યા

પ્રાચીન બૌદ્ધગુફા અને તેના શિલ્પો બચાવવા જયાબહેન ફાઉન્ડેશનની મુખ્યમંત્રીશ્રી અને વિપક્ષી નેતાને રજૂઆત

રાજકોટ, તા. ૨૦ : રાજકોટ જિલ્લાના ખંભાલીડા ગામે ૧૮૦૦ વર્ષ પ્રાચીન અદ્દભૂત શિલ્પો ધરાવતી બૌદ્ધ સાધુઓની તપોભૂમિ બૌદ્ધગુફા સાતવડાની નાની ડુંગરમાળાની ગોદમાં ઝરણા કિનારે આવેલ છે. ગુજરાતમાં વિશાળ શિલ્પો ધરાવતી આ એક માત્ર બૌદ્ધગુફા છે. જે સમગ્ર પશ્ચિમ ભારતનું સૌથી પ્રાચીન બૌદ્ધ શિલ્પ સ્થાપત્ય છે.

શ્રી જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પરેશ પંડ્યા જણાવે છે કે બૌદ્ધગુફા અને તેના શિલ્પો રાજય રક્ષિત સ્મારક છે પણ તેની યોગ્ય રક્ષા થતી નથી, ભાંગતા જાય છે, સેંકડો વર્ષો થયા વાતાવરણની થપાટ ખાતા શિલ્પોની યોગ્ય રક્ષા કરવી જરૂરી છે. ફાઉન્ડેશન ૨૦૦૩થી સતત આ પ્રાચીન સ્થાપત્યની રક્ષા માટે રાજય સરકારને રજૂઆત કરી રહેલ છે. શું સંસ્કૃતિ બચાવવા આટલી રજૂઆતો જરૂરી? વિભાગે ફાઈબરનું સ્ટ્રકચર શિલ્પોના રક્ષણ માટે બનાવેલ છે પણ અતિ કદરૂપુ સ્ટ્રકચર શિલ્પોની રક્ષણ નથી કરતું અને ગુફાનું પ્રાચીન મહત્વ તેના સૌંદર્યને ભારે નુકશાન પહોંચાડી રહેલ છે. જે તાત્કાલીક હટાવી દેવુ જોઈએ.

શ્રી પરેશ પંડ્યા જણાવે છે કે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ જિલ્લાના જ છે તેમની પાસે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ છે કે આ અલૌકિક પ્રાચીન બૌદ્ધગુફા અને તેના શિલ્પોના રક્ષણ માટે બૌદ્ધગુફા ઉપરના ભાગથી શિલ્પો સામેની ખુલ્લી જમીન ઉપર ઝરણા સુધી વિશાળ પારદર્શક મજબૂત પ્લાસ્ટીકનો ડોમ બનાવવો જોઈએ જેથી સમગ્ર ગુફા અને તેના શિલ્પો અને તેનું સૌંદર્ય જળવાઈ રહે અને થતુ નુકશાન અટકાવી શકાય. આ માટે ગુજરાતના સીનીયર આર્કીટેકટનો અભિપ્રાય પણ હકારાત્મક છે. આજે દેશ-વિદેશથી આ પ્રાચીન સ્થાપત્ય નિહાળવા અસંખ્ય મુલાકાતીઓ આવી રહેલ છે. તેઓ બૌદ્ધશિલ્પ સ્થાપત્યને થતા નુકશાનથી ભારે ટીકા કરી નિરાશા વ્યકત કરી રહેલ છે અને જણાવે છે કે આ સ્થાપત્યની યોગ્ય રક્ષા થવી જોઈએ અને સામે પસાર થતુ ઝરણુ સતત વહેતુ રહે તેવી વ્યવસ્થા રાજય સરકારે કરવી જોઈએ. શ્રી જયાબહેન ફાઉન્ડેશન પણ આ માંગણી દોહરાવે છે તથા આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી સમક્ષ બૌદ્ધગુફા અંગે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે.

શ્રી પરેશ પંડ્યા (મો.૯૮૨૫૨ ૧૮૯૦૩) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓને જાહેર અપીલ કરે છે કે આપણા પ્રાચીન સ્થાપત્યના વિસ્તારને વધુ સુંદર બનાવવા અને પર્યાવરણને ફાયદો થાય તે માટે બૌદ્ધગુફા પાસેના રસ્તા આજુબાજુ એક થી બે કિ.મી. સુધી વૃક્ષારોપણ કરી તેની માવજત કરતો પ્રોજેકટ હાથ પર લઈ ઉમદા કાર્યમાં સહયોગી બને.

(1:22 pm IST)